મરેલાં તીડના ઝુંડ અને ઝેરી દવાથી ખેડૂતો બિમાર પડ્યા
તીડથી તો રાહત મળી પણ ખેડૂતો પર નવો ખતરો
અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસો ગુજરાતના સરહદે આવેલા થરાદ પંથક સહિતના વિસ્તારો માટે ભારે રહ્યા હતા. તીડના આતંકથી ગ્રામજનોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે તીડ દ્વારા ખેતરોના પાકને નુકસાન થતા ખેડૂતોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તીડના નાશ માટે ઝેરી દવાઓનો છંટકાવ કરાવવામાં આવ્યો છે. ઝેરી દવાના કારણે મોટી સંખ્યામાં તીડ મૃત્યુ તો પામ્યા પરંતુ તીડના મોત બાદ પણ ગ્રામજનોની મુશ્કેલી ઘટવાને બદલે વધી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તીડના મૃતદેહોની દુર્ગંધ હવે ગ્રામજનો માટે મુશ્કેલી ઉભી કરી રહી છે.
બીજી તરફ સરકાર દ્વારા છાંટવામાં આવેલી ઝેરી દવાની ગંધ અને તેની અસર પણ માણસો અને પશુઓ માટે જોખમી બની છે. જેની ગંભીરતા સમજી સરકારે આઠથી દસ દિવસ આ વિસ્તારોમાં લોકોને નહી આવવાની સુચના આપી છે. થરાદ પંથકમાં આવેલા અંદાજિત ૧૮ જેટલા ગામોમાં કરોડોની સંખ્યામાં આવેલા તીડનો નાશ કરવા નિયંત્રણ વિભાગની કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેતીવાડી વિભાગની ટીમોએ ઝેરી દવા છંટકાવ કર્યો છે.
થરાદના વાંતડા, નારોલી, કાસવી, ભરડાસર સહિતના ગામોમાં કે જ્યાં તીડે રાત્રિરોકાણ કર્યું હતું, તે સમગ્ર વિસ્તારમાં ઝેરી દવા છાંટવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અંદાજિત ૨૦૦૦ લિટર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જા કે, છાંટવામાં આવેલી ઝેરી દવા માનવ અને પશુઓ માટે ઘાતક સાબિત થઇ શકે છે. ખેતીવાડી વિભાગ દ્વારા દવાઓના છંટકાવ બાદ ગણતરીના કલાકોમાં તીડ મોતને ભેટ્યા હતા.
કરોડોની સંખ્યામાં તીડના મૃતદેહો જમીન પર પથરાયેલા જોવા મળ્યા હતા. બીજી તરફ રસ્તા પર અવર-જવર કરતા વાહન ચાલકોના કારણે જમીન પર પડેલા તીડ કચડાતા તેમનામાંથી ભારે દુર્ગંધ આવવા લાગી છે. જે લોકોના સ્વાસ્થ પર ખરાબ અસર કરી શકે છે. જમીન પર પથરાયેલા તીડને તો કીડી, મકોડા તેમજ અન્ય જીવજંતુઓ પોતાનું ભોજન બનાવી રહ્યા છે જેના કારણે ટૂંક સમયમાં તે ખોખલા બની જશે. પરંતુ સરકાર દ્વારા છંટકાવ કરવામાં આવેલી ઝેરી દવા હવા મારફતે શરીરમાં જાય તો માણસ અને પશુઓના સ્વાસ્થ પર મોટો ખતરો ઉભો થઇ શકે છે.
હાલમાં તો ખેતીવાડી વિભાગ દ્વારા ગ્રામજનોને અને તેમના પશુઓને તે વિસ્તારોમાં અવર-જવર ના કરે તેવી સૂચનાઓ આપી દેવામાં આવી છે. તીડનો ત્રાસ સતત વધવાથી સરકાર દ્વારા ઝેરી દવાનો છંટકાવ કરવા ખેતીવાડી વિભાગને સૂચના અપાઇ હતી. સૂચનાને પગલે ખેતીવાડી વિભાગના અધિકારીઓ ખેડૂતો સાથે દવાનો છંટકાવ કરવા ગયા હતી. તે સમયે એક અધિકારીને વોમીટીંગ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા. ત્યારે તીડનું કવરેજ કરવા પહોંચેલા એક પત્રકારને પણ દવા અને વાતાવરણનો ખરાબ અનુભવ થયો હતો. તેની પણ તબિયત લથડતા તેને સારવાર અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.