મર્ડર કેસમાં સજા ભોગવતી મહિલાનું સારવાર દરમિયાન મોત
(એજન્સી)વડોદરા, વડોદરા,મર્ડર કેસની સજા ભોગવતી મહિલાની તબિયત બગડતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે.
નર્મદા જિલ્લાના ગરૃડેશ્વર ગામે કોયારી ફળિયામાં રહેતા મંજુલાબેન હીરાભાઇ તડવી (ઉં.વ.૫૪) ની સામે વર્ષ – ૨૦૦૪ માં ગરૃડેશ્વર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયો હતો.
તે કેસ ચાલી જતા રાજપીપળા સેશન્સ કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી સપ્ટેમ્બર – ૨૦૨૩ માં આજીવન કેદની સજા કરી હતી. કેદીને સજા ભોગવવા માટે વડોદરા જેલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. મંજુલાબેનને ન્યૂમોનિયા, થાઇરોઇડ અને ડાયાબિટીસની બીમારી હતી. તેઓની તબિયત બગડતા સારવાર માટે ગઇકાલે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.મોડીરાતે તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે રાવપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.