મલિંગાની બોલિંગથી સચિન પણ પરેશાન થઈ જતો હતો
નવી દિલ્હી: ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મુંબઈ ઇન્ડિયન્સના પોતાના સાથી ખેલાડી લસિથ મલિંગાને જન્મ દિવસના અભિનંદન પાઠવતા તસવીર શેર કરી છે. શ્રીલંકાનો આ દિગ્ગજ બોલર ૨૮ ઓગસ્ટે ૩૭ વર્ષનો થઈ ગયો છે. લસિથ મલિંગાનો જન્મ એક સાધારણ પરિવારમાં થયો હતો. તે ગોલથી ૧૨ કિમી દૂર રથગામામાં જન્મ્યો હતો. તેના પિતા બસ મેકેનિક હતા અને તે ગોલના બસ ડેપોમાં કામ કરતા હતા. મલિંગા બાળપણથી દરિયાના કિનારે ટેનિસ બોલથી ક્રિકેટ રમતો હતો અને તેની એક્શન શરૂઆતથી જ અજીબ હતી. તેની આ જ એક્શન તેની ઓળખ બની હતી. ૨૦૦૧માં નેટ્સ પર બેટ્સમેનોને પ્રેક્ટિસ કરાવવા માટે કહ્યું હતું
પણ શ્રીલંકાના સ્ટાર ખેલાડી તેના બોલને રમી શક્યા ન હતા. આ ખેલાડીઓમાં અરવિંદ ડી સિલ્વા પણ હતા. જેમણે મલિંગાને બોલિંગ રમવાની ના પાડી દીધી હતી. મલિંગાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તેણે કુલ ૫૩૬ વિકેટ પોતાના નામે કરી છે. મલિંગાએ ૩૦ ટેસ્ટમાં ૧૦૧, ૨૨૬ વન-ડેમાં ૩૩૮ અને ૭૩ ટી-૨૦માં કુલ ૯૭ વિકેટ ઝડપી છે. મલિંગાએ ફક્ત ડી સિલ્વાને જ નહીં પણ સચિન તેંડુલકર જેવા દિગ્ગજ બેટ્સમેનને પણ ઘણા પરેશાન કર્યા હતા. સચિન સિવાય વીરેન્દ્ર સેહવાગ, શેન વોર્ન જેવા બેટ્સમેનોને ૬-૬ વખત આઉટ કર્યા છે.