મળતા હતા પ્રેમથી એ પણ બંધ કરી દીધુ છે કોરોના અમે તને સાથે મળી ચોક્કસ હરાવીશુ
આને સમયની કાંઈ પડી જ નથી. હંમેશા સમય કરતાં મોડો જ આવે છે અને મારે કોલેજમાં આવીને તેની રાહ જોવી પડે છે. વળી પાછો મોડો આવીને પણ મને જ સંભળાવશે કે પ્રેમ કર્યો છે તો થોડી ધીરજ પણ કરવી પડે. કઈ રીતે સુધારુ આ છોકરાને તેની મને કંઈ ખબર પડતી નથી. આમ તો ખૂબ જ હોશિયાર છે અને મને ભરપૂર પ્રેમ કરી રહ્યો છે પરંતુ સમયની સાથે ચાલવાનું તેને ફાવતું નથી. તે તેના મનનું ધાર્યું જ કરે છે અને મારી પાસે પણ તેના મનનું ધાર્યું જ કરાવે છે. છતાં પણ તે મારા મનની તમામ વાતો જાણી જાય છે અને મને ખુશ રાખવા માટેના તમામ પ્રયત્નો કરે છે.” આ શબ્દો છે નેહાના. કોલેજ કેમ્પસમાં બેસીને નેહા જ્યારે તેની સહેલી સાથે વાત કરી રહી હોય છે એટલી વારમાં જ દર્શન ત્યાં આવી જાય છે. દર્શનને જોતાની સાથે જ નેહા કહે છે કે આજે તો તે ખૂબ મોડું કર્યું છે અને લેક્ચર પણ ચાલુ થઈ ગયા છે.
આ સાંભળીને દર્શને કહ્યું કે પહેલા હું ક્લાસમાં જઈને લેક્ચર સાંભળું કે પછી અહીંયા કોલેજ કેમ્પસમાં તારું લેક્ચર સાંભળુ? તું કહે તેમ હું કરીશ. નેહા તરત જ કહે છે કે એક તો મોડું આવવાનું અને વળી પાછું પ્રશ્નોમાં મને જ ફસાવવાની આવું ન ચાલે હો, ચાલ આપણે ક્લાસમાં જઈને થોડું ભણી લઈએ. નેહા અને દર્શન ક્લાસમાં આવે છે અને બપોર સુધી અભ્યાસ કર્યા પછી નજીકમાં આવેલા મોલમાં પહોંચી જાય છે.
મોલમાં ખરીદીની સાથે મસ્તી મજાક કરીને બંને પ્રેમથી દિવસ પસાર કરે છે અને ફરી પાછા બીજા દિવસે કોલેજમાં અભ્યાસ કરીને મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા માટે ઉપડી જાય છે. ક્યારેક હોટેલ તો ક્યારેક બગીચામાં અને મંદિરોમાં પણ નેહા અને દર્શન સાથે જોવા મળી રહ્યા છે. એવો એક પણ દિવસ નથી જતો કે બંને મળ્યા ન હોય. નેહા અને દર્શન એકબીજાને ભરપૂર પ્રેમ કરી રહ્યા છે. પ્રેમની વાતોમાંથી પણ સમય કાઢીને નેહા અને દર્શન રાષ્ટ્રહિતમાં કેટલાક સત્કાર્યો પણ કરી રહ્યા છે. રવિવારની સાંજે દર્શન નેહાને ફોન કરીને કહે છે કે આવતીકાલથી આપણે કદાચ નિયમિત નહીં મળી શકીએ.
પહેલી વખત દર્શનના મોઢે મળવાની ના સાંભળીને નેહા સ્તબ્ધ થઈ જાય છે અને કહે છે કે મારાથી કંઈ ભૂલ થઈ ગઈ કે શું? એક બાજુ કહે છે કે હું તને ભરપૂર પ્રેમ કરી રહ્યો છું અને બીજી બાજુ મળવાની ના પાડે છે એ વાત મારા ગળે ઊતરતી નથી. ખરેખર શું થયું છે તે તું મને સ્પષ્ટ કહે. આ સાંભળતાની સાથે જ દર્શન કહે છે કે નેહા તું વિચારે છે એવું કાંઈ નથી પરંતુ આપણે રાષ્ટ્રહીતમા મળવાનું ટાળીશું. નેહાએ કહ્યું કે તું મને ગોળ ગોળ ન ફેરવીશ ત્યારે દર્શને કહ્યું કે, કોરોના વાઈરસથી બચવા માટે આપણે નિયમિત નહીં મળીએ, પરંતુ સમયાંતરે ચોક્કસ મળતા રહેશુ.
નેહાએ કહ્યું કે મને કોરોના વિશે લાંબી કાંઈ ખબર નથી એના વિશે તું મને સમજાવ. દર્શને કહ્યું કે નોવેલ કોરોના વાયરસ એ વાઇરસથી થતો એક પ્રકારનો રોગ છે. તે પ્રાણીઓથી માણસને અને માણસથી માણસને ફેલાતો રોગ છે. હવા દ્વારા ચેપી વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે. પરંતુ આપણને કઈ રીતે ખબર પડે કે કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે અને તેના લક્ષણો શું છે? તેમ નેહાએ પ્રશ્ન કર્યો. દર્શને કહ્યું કે તાવ, ખાંસી, કફ, વહેતું નાક, ગળાનો દુખાવો, શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી ધ્રુજારી આ બધા કોરોના વાયરસના લક્ષણો છે. જો કોઈ વ્યક્તિએ ચીન, જાપાન, ઇરાન, થાઈલેન્ડ, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, હોંગકોંગ, મલેશિયા, ઇટલી, ફ્રાંસ, તાઇવાન, વિયતનામ, કેનેડા, સહિત કોઈપણ કોરોના અસરગ્રસ્ત દેશની મુલાકાત લીધી હોય અથવા તો વિદેશથી આવેલા કોઇ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય અને કોઇ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકમાં આવેલા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ.
આ તો બધી થઈ કોરોના વાયરસના રોગના લક્ષણોની વાત પરંતુ કોરોના વાઇરસના ચેપથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તેમ નેહાએ ફરી પ્રશ્ન કર્યો. દર્શન કહ્યું કે જો થોડી સાવચેતી રાખવામાં આવે તો કોરોના વાઇરસના ચેપથી ચોક્કસ બચી શકાય તેમ છે. કોરોના વાયરસથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે રૂમાલથી મોઢા ઢાંકવુ, હાથ મિલાવવા ના બદલે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નમસ્કારનો ઉપયોગ કરવો, જાહેરમાં થૂકવું નહીં અને ખાસ ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ. સાચે જ હો કોરોના વાયરસ વિશે તે મને સચોટ માહિતી આપી અને તું મળવાની કેમ ના પાડે છે તેની પાછળનું રહસ્ય પણ મને સમજાઈ ગયું તેમ નેહાએ હસીને કહ્યું અને પ્રશ્ન કર્યો કે, કોરોના વાયરસની શરૂઆત ક્યાંથી થઈ અને તે કેટલો ખતરનાક છે? દર્શને કહ્યું કે નોવેલ કોરોના વાઈરસના સૌપ્રથમ કેસ ચીન દેશના વુહાન શહેરમાં જોવા મળ્યા હતા અને ત્યાંથી જ વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ પ્રસરી રહ્યો છે.
કોરોના વાઇરસના ચેપના કારણે ચીન, ઇટલી, ઈરાન સહિતના અનેક દેશોમાં મૃત્યુઆંક વધી રહ્યો છે જે ખૂબ જ ચિંતાજનક બાબત કહી શકાય. આપણે ગભરાવવાની જરૂર નથી પરંતુ થોડી સમજદારી રાખવાની જરૂર છે, સતર્કતા રાખવી તે આપણા સૌની જવાબદારી છે. આ સાંભળીને નેહાએ કહ્યું કે, મળતા હતા પ્રેમથી એ પણ બંધ કરી દીધુ છે, કોરોના અમે તને સાથે મળી ચોક્કસ હરાવીશુ” તે તો મારા મનની વાત કહી દીધી તેમ દર્શને કહ્યુ. નેહાએ કહ્યુ કે, આટલી બધી વાતો તો આપણે રૂબરુ મળીએ ત્યારે પણ નહોતા કરતા અને આજે આપણે મોબાઇલ પર ખુબ જ લાંબી વાતો કરી અને એ પણ પ્રેમની નહી નોવેલ કોરોના વાયરસની. આટલી વાત કરીને બન્ને ફોન મુકે છે.
બીજા દિવસે સવારમાં જ નેહા ફોન કરીને દર્શનને જણાવે છે કે, આપણે નોવેલ કોરોના વાયરથી બચવા માટે આપણી આસપાસના લોકોને જાગૃત કરીશુ અને સરકાર તથા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ સુચનાઓ લોકો સુધી ત્વરીત પહોંચાડીને નોવેલ કોરોના વાયરસને આપણા દેશમાં ફેલાતો અટકાવીશુ. દર્શન કહે છે કે, હવે તો તું મને પણ સમજાવવા લાગી હો. નેહાએ કહ્યુ કે, હવે હું ફક્ત તને જ નહી બધીને સમજાવી રહી છુ કે, આ સમય આપણે બધાએ સાથે મળીને નોવેલ કોરોના વાયરસ સામે લડવાનો છે.
પછી તો દર્શન અને નેહા પ્રેમની વાતો પણ પડતી મુકીને લોકોને નોવેલ કોરોના વાયરસ અંગે જાગૃત કરવા લાગે છે. થોડા દિવસો પછી જ્યારે દર્શન ફોન કરીને નેહાને કહે છે કે, ઘણા દિવસો થઇ ગયા અને તને જોઇ નથી એટલે તને મળવાની ખુબ જ ઇચ્છા થઇ છે ત્યારે નેહા દર્શનને વિડીયો કોલ કરીને કહે છે કે, હું તારી સામે જ છુ, મન ભરીને મને જોઇલે. અત્યારે મળવાનો નહી કોરાનાને હરાવવાનો સમય છે.
જીવતા રહીશુ તો જીંદગીભર ભરપુર પ્રેમ કરી શકીશુ. દર્શન ખડખડાટ હસવા લાગે છે અને કહે છે કે, મને મારી પ્રેમીકા ઉપર ગર્વ છે અને તેની સમજદારી પર પણ. ત્યારે નેહા કહે છે કે, આવી જ સમજદારી આપણે સૌ એ રાખવાની છે અને કોરોનાને હરાવવાનો છે. એકબીજાને ભરપુર પ્રેમ કરતા દર્શન અને નેહા રૂબરૂ મળવાનું ટાળી રહ્યા છે અને કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે પ્રયત્નશીલ છે.