Western Times News

Gujarati News

મશરૂમની ખેતી કરી ડાંગની મહિલાને ૩૦૦૦ના રોકાણમાં ૧૨૦૦૦ રૂપિયા મળ્યા

જમીન વિનાની મહિલાઓએ ઓઈસ્ટર મશરૂમની ખેતી કરવાનો પ્રયોગ કર્યો તેમજ મબલખ કમાણી કરીઃ રિપોર્ટ
સુરત,  મહામારીના કારણે વિશ્વભરમાં આર્થિક ગતિવિધિઓ અટકી પડી છે. એવામાં ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામની ૨૧૭ આદિજાતિ જૂથની મહિલાઓ વ્યસ્ત છે. જમીન વિનાની આ મહિલાઓએ ઓઈસ્ટર મશરૂમની ખેતી કરવાનો પ્રયોગ કર્યો અને મબલખ કમાણી કરી.

રસપ્રદ રીતે આ મહિલાઓને તેમના રોકાણના ચાર ગણા રૂપિયા પાછા મળ્યા. મહિલાઓએ ૩૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યું અને નફા પેટે ૧૨૦૦૦ રૂપિયા મળ્યા. જાન્યુઆરી મહિનામાં મહિલાઓએ વાવણી કરી હતી અને પાક ત્રણ મહિના બાદ તૈયાર થઈ ગયો.

મહિલાઓના ઘરના વાડામાં ઉગાડેલા મશરૂમનું બજારમાં ધૂમ વેચાણ થયું. બારડપાણી ગામના રહેવાસી રાધા દળવીએ કહ્યું, “લોકડાઉનમાં જ્યારે આવકના બધા જ સ્ત્રોત બંધ થઈ ગયા ત્યારે મશરૂમની ખેતીએ રૂપિયા રળી આપ્યા. નાની જગ્યામાં જ તેનું ઉત્પાદન થતું હોવાથી હું ફરીથી મશરૂમની ખેતી કરીશ.”

વાંસદા નજીક આવેલી બીએઆઈએફ ઈન્સ્ટીટ્યૂટ ઓફ સસ્ટેનેબલ લાઈવલીહુડ્‌સ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા આ મહિલાઓને તાલીમ આપવામાં આવી હતી. એક લાભાર્થી પ્રવિણા દિરારીએ કહ્યું, મશરૂમની ખેતી દ્વારા મહિલાઓ ઘરમાં જ રહીને રૂપિયા કમાઈ શકે છે. લોકડાઉન હોવા છતાં આ આવકનું સારું સાધન બની રહ્યું.”

દરેક મહિલા ખેડૂતે પોતાના વાડામાં ૬૦ કિલોથી વધુ મશરૂમ ઉગાડ્યા હતા. સ્થાનિક બજારમાં આ મશરૂમ ૨૦૦ રૂપિયે કિલો વેચાય છે અને હિલ સ્ટેશન સાપુતારામાં હોટલો ફરી શરૂ થયા પછી આ મશરૂમની ઊંચી કિંમત મળી શકે છે.
સીનિયર પ્રોગ્રામ મેનેજર સંદીપ યાદવે કહ્યું, “ઉત્પાદન વધાર્યા પછી નજીકના શહેરોમાં આ વેચવા માટે પેકેજિંગની વધુ સારી સુવિધા વિકસાવીશું. હાલના ઉત્પાદનને નજીકના નાના શહેરો અને ગ્રામ હાટમાં વેચવામાં આવશે. સારા ઉત્પાદન અને વેચાણને લીધે આ મહિલાઓએ ફરીથી મશરૂમની ખેતીનો નિર્ણય કર્યો છે. આગામી ત્રણ મહિનામાં નવો પાક તૈયાર થઈ જશે. આ પહેલો પ્રયાસ હતો તેમ છતાં તેમનો પાક ફટાફટ વેચાઈ ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.