મસાલો ખાવા માટે પૈસા ન આપતા આરોપીએ કર્યો જીવલેણ હુમલો
અમદાવાદ: નશાના બંધાણીઓ ક્યારેક નશો કરવાની લતમાં ન કરવાનું કામ કરતા હોય છે. આવા મામલા પોલીસ સ્ટેશન સુધી પહોંચી જતા હોય છે. આવો જ એક બનાવ શહેરના ઓઢવ વિસ્તારમાં બન્યો છે. અહીં મસાલાના પૈસા ન આપતા યુવાન પર જીવલેણ હુમલો થયો છે.
ઓઢવ વિસ્તારમાં રહેતા રંજનબેન પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે દશામાનું જાગરણ હોવાથી તેઓ અને તેમના સાસુ ભજનો સાંભળી રહ્યા હતા તે દરમિયાન તેમનો દિયર દોડતો દોડતો ત્યાં આવી પહોંચ્યો હતો. દિયરે જણાવ્યું હતું કે તેમના પતિને રીકીન ઉર્ફે ચકા વાઘેલાએ કટારના ઘા મારીને લોહીલુહાણ કર્યા છે. જેથી ફરિયાદી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
અહીં મહિલાના પતિએ લોહીલુહાણ હાલતમાં તેમને જણાવ્યું હતું કે તેઓ મિત્રો સાથે ચાલીમાં રિક્ષામાં બેઠા હતા. આ દરમિયાન રીકીન ઉર્ફે ચકો વાઘેલા ત્યાં આવ્યો હતો અને કહેવા લાગ્યો કે મારા ઘરે દશામાં બેસાડ્યા છે. આજે જાગરણ છે તો મસાલાના પૈસા આપ. જાેકે, ઇજાગ્રસ્ત યુવાને પૈસા આપવાની ના પાડતા આરોપીએ તેને કટારના ત્રણ ઘા માર્યા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
બીજી તરફ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે તાત્કાલિક નજીકની હાૅસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ પોલીસે હત્યાની પ્રયાસનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.