મસ્જિદોમાં લાઉડસ્પિકર પર રોકનો હાઈકોર્ટનો ઈનકાર
કર્ણાટક હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
લાઉડ સ્પીકર પર અજાનથી અન્ય ધર્મોના લોકોના મૌલિક અધિકારનું ઉલ્લંઘન ન થતું હોવાનું કોર્ટનું અવલોકન
બેંગલુરુ, કર્ણાટક હાઈ કોર્ટે સોમવારે મસ્જિદોમાં અજાન માટે લાઉડ સ્પીકરના ઉપયોગ પર રોક લગાવવાથી ઈનકાર કરી દીધો છે. હાઈ કોર્ટે કહ્યું કે, લાઉડ સ્પીકર પર અજાનથી અન્ય ધર્મોના લોકોના મૌલિક અધિકારનું ઉલ્લંઘન નથી થતું. કોર્ટે મસ્જિદોને અજાન પર રોકનો આદેશ આપવાનો ઈનકાર કરી દીધો છે.
જાે કે, કોર્ટે અધિકારીઓને લાઉડ સ્પીકરો સાથે સબંધિત ધ્વનિ પ્રદૂષણ નિયમ લાગુ કરવા અને અનુપાલન રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.કાર્યકારી ચીફ જસ્ટિસ જસ્ટિસ આલોક આરાધેની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે બેંગલુરુના રહેવાસી મંજુનાથ એસ. હલવરની જાહેર હિતની અરજી પર સુનાવણી કરી હતી.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, અજાન આપવી મુસ્લિમોની એક આવશ્યક ધાર્મિક પ્રથા છે. જાેકે, અજાનનો અવાજ અન્ય ધર્મોમાં માનનારા લોકોને પરેશાન કરે છે.કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, ભારતીય બંધારણની કલમ ૨૫ અને ૨૬ સહિષ્ણુતાના સિદ્ધાંતોનું પ્રતીક છે જે ભારતીય સભ્યતાની વિશેષતા છે.
બંધારણની કલમ ૨૫ (૧) લોકોને સ્વતંત્ર રૂપે પોતાના ધર્મોને માનવા અને તેનો પ્રચાર કરવાનો મૌલિક અધિકાર પ્રદાન કરે છે. કોર્ટે કહ્યું કે, ઉપરોક્ત અધિકાર સંપૂર્ણ અધિકાર નથી પરંતુ જાહેર વ્યવસ્થા, નૈતિકતા, સ્વાસ્થ્યના મામલામાં ભારતીય બંધારણના ભાગ ૩ ની અન્ય જાેગવાઈઓ હેઠળ પ્રતિબંધોને આધીન છે.
કોર્ટે કહ્યું કે, એ તર્કનો સ્વીકાર નહીં કરી શકાય કે, અજાનનો અવાજ અરજદારોની સાથે-સાથે અન્ય ધર્મોના લોકોને પ્રાપ્ત મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે.