Western Times News

Gujarati News

મહંત પર ઘાતકી હુમલો કરી રૂમમાં પુરી ૧.૫૫ લાખની લૂંટ લૂંટારુઓનો ૭ કલાક સુધી તાંડવ

શામળાજી ગુરુદત્તાત્રેય ટેકરી મંદિરમાં તસ્કરો ત્રાટક્યા

અરવલ્લી જીલ્લામાં લોકો સાથે હવે મંદિરો પણ સલામત ન રહેતા પોલીસતંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આવેલા ગુરુદત્તાત્રેય ટેકરી મંદિરમાં ૫ બુકાનધારી શખ્શોએ ધાડ પાડી હતી મંદિરના મહંતને માથામાં જીવલેણ ઘા ઝીંકી રૂમમાં પુરી દઈ ૭ કલાક સુધી મંદિરને ફંફોસી  મંદિરમાં રહેલા રોકડા રૂપિયા ૫૫ હજાર અને ભગવાનના દાગીના મળી ૧.૫૫ લાખના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા મંદિરમાં દર્શનાર્થે ભક્ત પહોંચતા રૂમમાં બંધ મહંતને છોડાવી સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતા મંદિરમાં લૂંટની ઘટનાના પગલે શામળાજી પંથકમાં આવેલા મંદિરના મહંતોએ એકઠા થઇ તમામ મંદિરોમાં પોલીસ રક્ષણ આપવામાં આવેની માંગ કરી હતી

ગુરુવારે રાત્રીના ૯ વાગ્યાના સુમારે, શામળાજીના મેશ્વો ડેમ રોડ પર આવેલા ગુરુદત્તાત્રેય ટેકરી મંદિરમાં ૫ બુકાનધારી શખ્શો ત્રાટકી મંદિર પરિસરમાં આંટાફેરા મારતા મહંત શિવરામપુરી વૈષ્ણ્વ સાધુને માથામાં ધોકાનો ફટકો મારતા ફસડાઈ પડેલ સંતને  ઢસડી જઈ રૂમમાં પુરી જાનથી મારી નાખવાની ધમકી આપી એક શખ્શ સામે ચપ્પુ લઈ બેસી રહ્યો હતો અન્ય ચાર લૂંટારુએ ૭ કલાક સુધી મંદિરના વિવિધ રૂમો ફંફોસી રોકડા રૂપિયા ૫૫ હજાર   અને ભગવાનના દાગીના મળી કુલ.રૂ૧૫૫૦૦૦/- હજારથી વધુની લૂંટ ચલાવી લૂંટારુઓ સવારે ૪ વાગે ફરાર થઇ ગયા હતા

વહેલી સવારે દર્શનાર્થે પહોંચેલા ભક્તે રૂમમાં ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા મહંતને સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે, તસ્કરો અને લૂંટારૂઓ હવે ધર્મ સ્થાન અને આશ્રમો પર ધાડ કે લૂંટ કરવામાં પણ લેશ માત્ર વિચારતા નથી એ ગંભીર બાબત છે.

ગુરુદત્તાત્રય ટેકરી મંદિરના મહંત શિવરામપુરી વૈષ્ણ્વ સાધુએ શામળાજી પોલીસને જાણ કરતા શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી લૂંટની ફરિયાદ નોંધી હતી મંદિરના મહંત પર ઘાતકી હુમલો કરી લૂંટની ઘટનાના પગલે જિલ્લા એલસીબી પોલીસની ટીમ શામળાજી દોડી આવી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.