Western Times News

Gujarati News

મહાઆરતીમાં મહામાનવની આકૃતિ

૩૦ હજાર જેટલા દીવડાના ઝગમગાટમાં મહાત્મા ગાંધી બાપુ ઝડક્યા  : અલૌકિક વાતાવરણનું નિર્માણ થયું


ગાંધીનગર: ગાંધીનગર કલ્ચરલ ફોરમના નવરાત્રી મહોત્સવ દરમિયાન આસો સુદ આઠમે યોજાતી મહા આરતીમાં આ વર્ષે  ૩૦ હજાર જેટલા દીવડાના ઝગમગાટમાં મહાત્મા ગાંધી બાપુ ઝડક્યા હતા. લગભગ 30 હજાર જેટલા લોકોએ હાથમાં દિવડા લઈને મહાત્મા ગાંધીની આકૃતિ સર્જી હતી. લોકોએ હાથમાં દીવડા લઈને મા આદ્યશક્તિની મહાઆરતી ઉતારી ત્યારે વિશાળ મેદાનમાં એકી સાથે ૩૦ હજાર જેટલા દીવડાના ઝગમગાટથી અલૌકિક વાતાવરણનું નિર્માણ થયું હતું. અદ્‌ભૂત મહાઆરતીમાં સહભાગી થવાનો લ્હાવો લેવા માનવ મહેરામણ ઊમટ્યું હતું.

ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ શ્રી કૃષ્ણકાન્તભાઈ જહાએ મહાઆરતી વિષે જણાવ્યું હતું કે, ગાંધીનગર કલ્ચરલ ફોરમની ૨૫ વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ અભૂતપૂર્વ મહાઆરતીનું આયોજન કરાયું હતું. સમગ્ર ભારત દેશ જ્યારે પૂજય મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યો છે ત્યારે ગાંધીનગર અને ગાંધીનગર કલ્ચરલ ફોરમે પણ આ રીતે પૂજય બાપુને શ્રદ્ધાંજલી આપી છે.

ગાંધીનગર કલ્ચરલ ફોરમ સ્થાપનનું ૨૫ મુ વર્ષ પ્રશન્નતા વર્ષ તરીકે ઉજવી રહયું છે ત્યારે પ્રશન્નતા એ ગાંધીનગરનો સ્થાયી ભાવ બને એવી ભાવના અને મનોકામના સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમે મહાઆરતીનું આયોજન કર્યું હતું.  આ આયોજનને ગાંધીનગરના અને આસપાસના લાખ્ખો લોકો એ પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.