મહાગઠબંધનના નેતા તરીકે તેજસ્વી યાદવની વરણી થઇ
પટના, બિહારમાં મહાગઠબંધનને પરાજયનો સામનો કરવો પડ્યો છે, ત્યાર બાદ હવે પરાજય મળવા પાછળના કારણો પર ચર્ચા વિચારણા ચાલી રહી છે. ગુરૂવારના રોજ પટનામાં પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના નિવાસ સ્થાન પર મહાગઠબંધનના નેતાઓનો જમાવડો જામ્યો હતો. મહાગઠબંધનની બેઠકમાં તેજસ્વી યાદવને ગઠબંધનના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.
તમામ પક્ષોના નેતાઓ મહાગઠબંધનની આ બેઠકમાં આવી પહોંચ્યા છે. મહાગઠબંધનની બેઠકમાં આરજેડી નેતા તેજસ્વી યાદવે તમામ નેતાઓને સંબોધન કર્યું. આ બેઠકમાં હાજરી આપવા પહોંચેલા સીપીઆઈ (એમ-એલ) નેતા દીપાંકર ભટ્ટાચાર્યએ ચૂંટણી પરિણામ પર ટિપ્પણી કરી હતી.
દીપાંકર ભટ્ટાચાર્યએ કહ્યું કે આ વખતે કોંગ્રેસનો સ્ટ્રાઈક રેટ ઘણો નબળો રહ્યો, કોંગ્રેસ ૭૦ બેઠકોને પણ સરખી રીતે સંભાળી ન શકી. જો કોંગ્રેસને ઓછી બેઠકો મળતી અને તે બેઠકો આરજેડી અને લેફ્ટમાં આવી જતી તો પરિણામ વધારે સારું હોત. લેફ્ટ નેતાએ કહ્યું કે બિહારમાં હંમેશાથી અમે હાજર રહ્યા છીએ, બસ આ વખતે અમને દર વખત કરતા વધારે બેઠકો મળી છે. અમારું પ્રદર્શન ગઠબંધનમાં સારું રહ્યું છે. પરંતુ અમે એનડીએને બહાર ન કરી શક્યા, જેથી અમે એમ કહીશું કે અમે અમારા મિશનમાં નિષ્ફળ ગયા છીએ.
નોંધનીય છે કે આ વખતે મહાગઠબંધનને ફક્ત ૧૧૦ બેઠકો પર જ વિજય મળ્યો હતો જેમાંથી ૭૫ બેઠકો આરજેડી, ૧૯ બેઠકો કોંગ્રેસ અને ૧૬ બેઠકો લેફ્ટ પાર્ટીઓના ખાતામાં ગઈ હતી. કોંગ્રેસ પાર્ટી ૭૦ બેઠકો પરથી ચૂંટણી લડી હતી જેમાંથી ફક્ત ૧૯ બેઠક પર જ તેમને વિજય મળ્યો છે. કોંગ્રેસ પાર્ટીના નેતા તારિક અનવરે પણ આ વાતને સ્વીકારી છે કે કોંગ્રેસના કંગાળ પ્રદર્શનના કારણે મહાગઠબંધનની સરકાર બનતા-બનતા રહી ગઈ.SSS