મહાજન, ખત્રી, શીખોને કૃષિ ભૂમિ ખરીદવા અધિકાર અપાયા

નવી દિલ્હી, જમ્મુ કાશ્મીર સરકારે મહત્વનો ર્નિણય લઈને મહાજન, ખત્રી અને શીખોને કૃષિ ભૂમિના ખરીદ-વેચાણ માટેનો અધિકાર આપી દીધો છે. આ સાથે જ કૃષિ, બાગબાની અને અન્ય સંબંધિત સેક્ટર્સને પણ તમામ સમુદાયો માટે ખોલી દીધા છે. આ માટે કાયદાઓમાં પણ ફેરફાર કરવામાં આવશે.
આ ર્નિણયના કારણે આશરે ૧૭ લાખ લોકોને ફાયદો થશે. આ ૩ સમુદાયો દ્વારા ઘણાં લાંબા સમયથી અધિકાર આપવા માટેની માગણી કરવામાં આવી રહી હતી. ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી રાજ્ય પ્રશાસનિક પરિષદની બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો હતો કે, કૃષિ સાથે સંકળાયેલા લોકો પોતાની જમીન બિનખેડૂતને હસ્તાંતરિત કરી શકે છે. આ માટે સંબંધિત ડીસી સશર્ત મંજૂરી આપશે. ડીસી ૨૦ કનાલ જમીન કૃષિ અને સંબંધીત ગતિવિધિઓ માટે વેચવાની મંજૂરી આપી શકશે.
આ સાથે જ ૮૦ કનાલ જમીન બાગબાની માટે વેચી શકાશે. જમીન વેચવાની અરજી કર્યાના ૩૦ દિવસની અંદર આ પ્રક્રિયા પૂરી કરવાની રહેશે. જમ્મુ કાશ્મીરમાં કૃષિ અને તેનાથી સંબંધીત સેક્ટર્સમાં અપાર સંભાવનાઓ છે જેના માટે સામાન્ય રીતે ૮૦ કનાલ સુધીની જમીનની જરૂર પડે છે. સરકારના આ ર્નિણયથી બિન ખેડૂતોને પણ કૃષિ અને તેના સાથે સંબંધીત ગતિવિધિઓ માટે જમીન લેવાનો અવસર મળી શકશે. તેનાથી કૃષિ, બાગબાની અને પશુપાલન ક્ષેત્રમાં રોકાણની સંભાવનાઓ વધશે.
સરકારી પ્રવક્તાના કહેવા પ્રમાણે મહાજન, ખત્રી અને શીખ સમુદાય ઘણાં લાંબા સમયથી કૃષિ ભૂમિના ખરીદ-વેચાણનો અધિકાર આપવાની માગણી કરી રહ્યો હતો. આ ર્નિણયના કારણે કૃષિ ક્ષેત્રે ભારે સુધારો આવશે તેવી આશા છે. આ ર્નિણય આર્થિક વિકાસ અને રોજગારીના દ્વાર પણ ખોલી નાખશે.SSS