મહાત્મા ગાંધીઃ અ ગ્રેટ કમ્યુનિકેટર એ વિષય પર વેબિનાર યોજાયો
આત્મિક સંચારની શાશ્વત કળા આત્મસાત કરી હતી મહાત્મા ગાંધીએ – ડો. ધીરજ કાકડિયા
ગાંધીજીના પત્રોમાં પાવરફુલ કોમ્યુનિકેશન જોવા મળે છેઃ- પૂનિતાબેન હરણે
અમદાવાદ, ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા, અપર મહાનિદેશક ડૉ. ધીરજ કાકડિયાએ કહ્યું કે, વિશ્વના મહાનતમ પ્રત્યાયનકાર એવા મહાત્મા ગાંધીએ આત્મિક સંચારની શાશ્વત કળા સુપેરે આત્મસાત કરી હતી.
પ્રાદેશિક લોકસંપર્ક બ્યૂરો અમદાવાદ દ્વારા ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના વિદ્યાર્થીઓ સાથે “મહાત્માગાંધીઃ- અ ગ્રેટ કમ્યુનિકેટર” વિષય પર વેબિનારમાં બોલતા ડૉ. કાકડિયાએ કહ્યુ કે, એક મહાન સંતની ભૂમિકામાં છાજે એવી રીતે વિલક્ષણ રાજનિતિજ્ઞ મહાત્મા ગાંધી મન અને બુદ્ધિથી ઉપર ઇન્દ્રિયાતિત કોમ્યુનિકેશન દ્વારા પોતાના સંદેશાઓ વિશ્વભરમાં પહોંચાડી શક્યા હતા.
વેબિનારમાં ડૉ. ધીરજ કાકડિયાએ વધુમાં કહ્યુ કે, સતત પ્રવાસ ખેડી અત્યંત સાદાગી ભર્યા વર્તનથી ગાંધીજી જન સામાન્યમાં પોતાના સંદેશાઓ સ્વીકૃત કરાવી શક્યા હતા. ડૉ. કાકડિયાએ ઉમેર્યુ કે, ખાદી, ચરખા, અને ગાંધી ટોપી જેવા માધ્યમથી તેમજ ધોતી સાથેના સાદગીપૂર્ણ પહેરવેશથી મહાત્મા ગાંધી સર્વત્ર છવાઇ ગયા હતા.
ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા ડૉ. સોનલબેન પંડ્યાએ જણાવ્યું કે, ભૂલોનો સ્વીકાર ગાંધી સિવાય ભાગ્ય જ કોઇ વ્યક્તિએ આટલા મોટા પ્રમાણમાં કર્યો હશે. તેમના શબ્દોમાં નકારાત્મક્તા ક્યારે જોવા મળતી ન હતી. કમ્યુનિકેશનના 7C ને ગાંધીજીના કોમ્યુનિકેશન સ્કીલ સાથે જોડી તેમના પ્રત્યાયનની કળા વિસ્તારથી સમજાવી હતી.
ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના વડા ડૉ. પુનિતાબેન હરણેએ ગાંધીજીના પત્રો પર લખવામાં આવેલા પુસ્તકમાંથી અમુક અંશ વાંચીને જણાવ્યું કે, તેમના પત્રોમાં પાવરફુલ કમ્યુનિકેશન જોવા મળે છે. અતિ વ્યસ્ત હોવા છતા ગાંધીજી તેમના પરિવારને પત્રો લખતા અને સામાન્ય વ્યક્તિની જેમ નાની-નાની વાતો પર ચર્ચા કરતા હતા.
સ્પેલિંગ મિસ્ટેક, ખાવાની રીત, બાળકોની સંભાળ, કપડા વગેરે જેવા વિષયો પર પણ તેઓ પરિવારને સટિક અને સ્પષ્ટ જાણકારી આપતા હતા. ગાંધીજી તેમના પત્રો અને લખાણમાં એટલા સ્પષ્ટ હતા કે, તેઓ વાંચ્યા, વિચાર્યા વગર ક્યારે પોસ્ટ કરતા નહીં.
પ્રાદેશિક લોક સંપર્ક બ્યૂરોના ડિરેક્ટર શ્રીમતી સરિતાબેન દલાલે ગાંધીજીને દરેક ક્ષેત્રમાં પત્રકાર તરીકેની બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ ગણાવ્યા હતા. એમણે જણાવ્યુ કે, ગાંધીજી કેટલા શક્તિશાળી કમ્યુનિકેટર હતા એનું પ્રમાણ એમના વિચારો તથા એમના ખ્યાલોને મળેલા વ્યાપક સ્વીકરમાં જોવા મળે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના પ્રાધ્યાપક શ્રી કૌશલ ઉપાધ્યાયએ સમગ્ર વેબિનારનું સુચારુ રૂપે સંચાલન કર્યુ હતું.