મહાત્મા ગાંધીનાં પ્રપૌત્ર સતીશ ધુપેલિયાનું કોરોનાને કારણે નિધન
નવી દિલ્હી, મહાત્મા ગાંધીનાં દક્ષિણ આફ્રિકા મૂળના પ્રપૌત્ર સતીશ ધુપેલિયાનું કોરોના વાયરસનાં સંક્રમણથી ઉદ્ભવેલી સમસ્યાઓના કારણે રવિવારનાં રોજ જોહાનિસબર્ગમાં નિધન થયું છે. તેઓ 66 વર્ષનાં હતા અને ત્રણ દિવસ પહેલા જ તેમનો જન્મદિવસ હતો. તેમના બહેન ઉમા ધુપેલિયા-મેસ્થરીએ આ વાતની જાણકારી આપી છે.
સતીશ ધુપેલિયાના બહેન ઉમા ધુપેલિયાએ સોશિયલ મીડિયા થકી આ વાતની પુષ્ટી કરતા એક પોસ્ટમાં લખ્યું છે કે, ન્યૂમોનિયાથી એક મહિનાથી પીડાયા પછી મારા પ્રિય ભાઈનું નિધન થયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓ કોવિડ-19ના સક્રમણમાં આવી ગયા હતા. આજે સાંજે તેમને હાર્ટ-અટેક આવ્યો હતો.’ તેમના પરિવારમાં બે બહેનો ઉમા અને કીર્તિ મેનન છે, જે અહીં જ રહે છે.