મહાત્મા મંદિર વડનગરની ઐતિહાસિક વિરાસતને દુનિયાનું શ્રેષ્ઠ ટુરિઝમ ડેસ્ટીનેશન બનાવાશે:હર્ષ સંઘવી
પ્રાચીન નગર વડનગરના ભવ્ય ઇતિહાસ-સાંસ્કૃતિક વિરાસતને લેન્ડ માર્ક હેરિટેજ-ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર -મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતની આગવી ઓળખ ધરાવતા તાનારીરી મહોત્સવને હવે કેન્દ્ર સરકારના સહયોગથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે મનાવાશે : કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રીશ્રી મીનાક્ષી લેખી
વડનગર જેવી અનેક વિરાસતોએ ગુજરાતને ઐતિહાસિક ક્ષેત્રે વૈશ્વિક ઓળખ અપાવી છે- યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ મંત્રી શ્રી હર્ષ સંઘવી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડનગરના ભવ્ય ઇતિહાસ-વિરાસતને ઉજાગર કરવા
ત્રિ-દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો વર્લ્ડ મ્યુઝિયમ-ડે થી પ્રારંભ ભૂટાન, ભારત, માલદીવ્સ તથા શ્રીલંકાના ડાયરેક્ટર અને યુનેસ્કોના પ્રતિનિધિ શ્રી એરિક ફાલ્ટ ની વિશેષ ઉપસ્થિતી
યુનેસ્કો-આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયાની સહભાગીતા તથા કેન્દ્ર સરકાર અને દેશની ખ્યાતનામ યુનિવર્સિટીઝના સહયોગથી રાજ્યના પૂરાતત્વીય ભવ્ય વારસા અને ઐતિહાસિક સંસ્કૃતિને આધુનિક ટેકનોલોજી સાથેના સમન્વયથી વિશ્વ ફલક ઉપર પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર તત્પર
મુખ્યમંત્રીશ્રી :-
દેશની ધરોહર અને પ્રાચીન વારસા સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના લગાવમાંથી પ્રેરણા લઇ ગુજરાતે પ્રાચીન વારસા-વિરાસતના રક્ષણ-સંવર્ધનનો આગવો રાહ અપનાવ્યો છે
વડનગરમાં બનનારૂ આર્કિયોલોજીકલ એક્સપરિમેન્ટલ મ્યૂઝિયમ પ્રાચીન વૈભવ વારસાને વર્તમાન ટેક્નોલોજી સાથે નવિન ઢબે પ્રસ્તુત કરશે
કિર્તિ તોરણ-શર્મિષ્ઠા તળાવ-બૌદ્ધવિહારો-મંદિરો-તાનારીરી સમાધિ વડનગરની ભવ્ય વિરાસતના વાહક છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પ્રાચીન નગર વડનગરના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ લેન્ડ માર્ક હેરિટેજ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે પ્રસ્તુત કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી દેશમાં ઉજવાઇ રહેલા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય, રાજ્ય સરકારના રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને સંગ્રહાલય નિયામકના સહયોગથી આયોજીત ‘વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ’નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિરથી પ્રારંભ કરાવ્યો હતો.
વર્લ્ડ મ્યુઝિયમ-ડે, તા.૧૮મી મે થી ર૦ મી મે ત્રણ દિવસ દરમ્યાન યોજાનારી આ કોન્ફરન્સના પ્રારંભ અવસરે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી મિનાક્ષી લેખી, રાજ્ય સરકારના યુવક સેવા-સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવી, ભૂટાન, ભારત, માલદીવ્સ અને શ્રીલંકાના ડાયરેક્ટર અને યુનેસ્કોના પ્રતિનિધિ શ્રી એરિક ફાલ્ટ તેમજ વિશ્વના ૬ રાષ્ટ્રોના અને દેશના વિવિધ રાજ્યોના પૂરાતત્વવિદો, ઇતિહાસવિદો, જુદી જુદી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ઇતિહાસ તથા પુરાતત્વ રસિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે યુનેસ્કો, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયાની સહભાગીતા તથા ભારત સરકાર અને દેશની ખ્યાતનામ યુનિવર્સિટીઝના સહયોગથી રાજ્યના પૂરાતત્વીય ભવ્ય વારસા અને સંસ્કૃતિને વિશ્વ ફલક ઉપર પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની તત્પરતા દર્શાવી હતી. તેમણે જણાવ્યું કે, વડનગર પ્રાચીનતમ અને સનાતન તથા દિવ્ય-ભવ્ય નગર છે. કાળની અનેક થપાટો ખાધા પછી પણ અવિચલ રહેલું વડનગર આર્ય સભ્યતાના ધ્રુવતારક જેવું નગર છે. મુખ્યમંત્રીશ્રીએ બૌધવિહારો, કિર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, તાના-રીરી ની સમાધિ જેવી ભવ્ય વિરાસતોના વાહક નગર તરીકે વડનગરની આગવી ઓળખ ઉભી થઇ છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે આપણા દેશની ધરોહર અને પ્રાચીન વારસા સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના લગાવમાંથી પ્રેરણા મેળવીને ગુજરાતમાં પ્રાચીન વારસા-વિરાસતના રક્ષણ, સંવર્ધનનો આગવો રાહ અપનાવ્યો છે. આ સંદર્ભમાં વડનગરમાં આકાર પામી રહેલું આર્કિયોલોજીકલ એક્સપરિમેન્ટલ મ્યૂઝિયમ વિશેષતા બનશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી મીનાક્ષી લેખી :-
ભારત સરકારના સાંસ્કૃતિક રાજ્ય મંત્રી શ્રી મીનાક્ષી લેખીએ ગુજરાતમાં યોજાઈ રહેલી વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સને આવકારતાં જણાવ્યું કે નકારાત્મક અને નઠારાં પરિબળો સામે આશા અને હકારાત્મકતા સાથે ઝીંક ઝીલીને ટકી રહેવાની પ્રેરણા વડનગર સદીઓથી આપી રહ્યું છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે વડનગર એક પવિત્ર ધામ છે. વારાણસી જેટલો જ ભવ્ય ઇતિહાસ વડનગરનો છે. ક્લાઇમેટ ચેન્જની ઐતિહાસિક સ્મારકો પરની અસર અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે દ્વારકા જેવું ભવ્ય નગર અને સંસ્કૃતિ ડૂબી ગયા, એ ઇતિહાસ આપણા માટે બોધપાઠ રૂપ બનવો જોઈએ. વડનગરમાં બૌદ્ધ મઠ મળી આવ્યા છે,કુશીનગર, સારનાથ, ગયાની જેમ વડનગર પણ બુદ્ધિસ્ટ સર્કિટનો એક ભાગ છે.
ગુજરાતની આગવી ઓળખ ધરાવતા વડનગરના તાનારીરી મહોત્સવને હવે કેન્દ્ર સરકારના સહયોગથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે ઊજવવાની તેમણે જાહેરાત પણ કરી હતી. મંત્રી શ્રી લેખીએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ સ્થળના ઐતિહાસિક વારસાને વિશ્વના બેસ્ટ ટુરિસ્ટ
ડેસ્ટીનેશન સ્થળ તરીકે વિકસાવવાના મંત્ર સાથે યોજાઈ રહેલી આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ગુજરાતને આગવી ઓળખ અપાવશે. તેમણે ઉમેર્યું કે આ આજના આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસે યોજાઈ રહેલી આ કોન્ફરન્સ એક આઇકોનિક દિવસ તરીકે વિશ્વભરમાં ઓળખાશે.
વડાપ્રધાનશ્રીની જન્મભૂમિ વડનગરના ઐતિહાસિક સાંસ્કૃતિક ધરોહર સમાન વારસાને આજની યુવા પેઢી સુધી પહોંચાડવાનો આ અપ્રતીમ અવસર છે એ માટે સૌએ જનજાગૃતિ કેળવવા સંકલ્પબદ્ધ બનવું પડશે. ભૂતકાળમાં આ આપણા સાંસ્કૃતિક વારસાને નેસ્તનાબૂદ કરવા અનેક આક્રમણો થયા તેમ છતાંએ આજે આપણો વારસો અકબંધ છે.
તેને ઉજાગર કરીને ભાવિ પેઢીને આપવો એ આપણા સૌની નૈતિક ફરજ છે. તેમણે ઉમેર્યું કે વડનગરનું કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, બૌદ્ધિક અવશેષો, હાટકેશ્વર મહાદેવ જેવા ઐતિહાસિક સ્થળોને વિશ્વ સ્તરે પ્રસ્થાપિત કરવામાં આજની આ કોન્ફરન્સ અત્યંત મહત્વની પુરવાર થશે.
મંત્રી શ્રી હર્ષ સંઘવી :-
વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગુજરાત, ભારત અને વિવિધ દેશોમાંથી ભાગ લેવા આવેલા મહેમાનોને આવકારતાં યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડનગર જેવી અનેક પ્રાચીન-વિરાસતોએ
ગુજરાતને ભારતમાં જ નહીં પણ ઐતિહાસિક-પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક ઓળખ અપાવી છે.
ગુજરાતમાં વર્તમાનમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ આગામી સમયમાં હજારો પ્રવાસીઓ ઐતિહાસિક નગર વડનગરની મુલાકાતે આવે તે પ્રકારે વિકાસ કરવામાં આવી રહ્યો છે. વડનગર શહેરના ભવ્ય વારસાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટેની આ પ્રથમ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં કુલ ૬ સત્રમાં
ભારત સહિત વિશ્વભરના પુરાતત્વ વિદો, તજજ્ઞો અને વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શોધ-સંશોધન કરશે.
મંત્રીશ્રી સંઘવીએ કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં અનેક નામી- અનામી ઐતિહાસિક સ્મારકો અને સાંસ્કૃતિક વિરાસતોને ઉજાગર-વિકાસ કરીને આ સ્થળોને આગવી ઓળખ આપવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. વડનગરે તેના બૌદ્ધ વારસાની સાથોસાથ ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપ્યા છે તે આપણા માટે ગૌરવ સમાન છે. વડાપ્રધાન શ્રી મોદીના માર્ગદર્શનમાં ભારત તેનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં સાચવવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યું છે.
પુરાતત્વ વારસો માત્ર ઇતિહાસની ઝાંખી નહીં પણ સદીઓ પહેલાંની શ્રેષ્ઠ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વેપારના દર્શન કરાવે છે.મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આઝાદી પહેલાં ગુજરાત પાસે ભવ્ય સ્મારકો હતા પણ સમયના કાળખંડમાં તે નાશ પામ્યા.આઝાદી પહેલાના રાજા રજવાડાઓ પાસે ઐતિહાસિક સ્મારકો સાચવવા અલગ કાયદા- નિયમો હતા. ગુજરાત હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ અને જૈનનો ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવે છે. ૧૫-૧૬મી સદીના સ્મારકો, મંદિર, મસ્જિદો ગુજરાતમાં આવેલા છે.
વડનગરમાં ઐતિહાસિક કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વરનું ભવ્ય મંદિર, બૌદ્ધ ધર્મના કેન્દ્રો વગેરે તેના ભવ્ય વારસાની સાક્ષી પૂરે છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વડનગરને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ વૈશ્વિક કક્ષાનું પ્રવાસનધામ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે તેમ જણાવી મંત્રી શ્રી સંઘવીએ આ પ્રસંગે ઉપસ્થિત વડનગરના નગરવાસીઓને નમન કરીને વડનગરના પનોતા પુત્ર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છ નગર તરીકે સૌએ સાથે મળીને સાકાર કરવા અનુરોધ કર્યો હતો.
ગુજરાતની ધરતી પર પ્રથમવાર ત્રિ-દિવસીય વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સનાં સફળ આયોજન બદલ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, યુનેસ્કો, આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા સહિત સહભાગી થનાર તમામનો ગુજરાત સરકારવતી મંત્રી શ્રી સંઘવીએ આભાર માન્યો હતો.
ભારત, ભૂતાન, માલદીવ્સ અને શ્રીલંકાના યુનેસ્કોના પ્રતિનિધિ શ્રી એરિક ફાલ્ટ વિશ્વ સંગ્રહાલય દિવસે ગુજરાતમાં યોજાઈ રહેલી આ ત્રિ-દિવસીય વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સને સંબોધન કરતાં ભારત, ભૂતાન, માલદીવ્સ અને શ્રીલંકાના યુનેસ્કોના પ્રતિનિધિ શ્રી એરિક ફાલ્ટે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૫માં જ્યારે તેમની નિમણૂક પેરિસમાં કરવામાં આવી હતી ત્યારે, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની યુનેસ્કોના હેડ ક્વાર્ટરની પ્રથમ મુલાકાતનું આયોજન કરવાનો અવસર મળ્યો હતો
ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ભારતમાં ગુજરાત એ સમૃદ્ધ વારસો અને સાંસ્કૃતિક વિવિધતા ધરાવતું રાજ્ય છે. પ્રાચીન ભારતમાં આધુનિક ગુજરાતનું પણ નિર્માણ કર્યું છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને વારસાને પ્રોત્સાહન આપવા યુનેસ્કો સક્રિય ભાગીદારી ભજવે છે જેના ભાગરૂપે યુનેસ્કો દ્વારા વર્ષ ૧૯૪૮માં નવી દિલ્હી ખાતે પ્રથમ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૨એ યુનેસ્કો માટે લાંબા સમયની ભાગીદારીને ઉજાગર કરવાનું વર્ષ છે.
આ જ વર્ષે ભારત પણ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે સાથોસાથ આ વર્ષ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કન્વેન્શનની ૫૦મી જયંતી પણ છે. યુનેસ્કો આગામી વર્ષ ૨૦૨૩માં અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે યુનેસ્કો કન્વેન્શનની ૨૦મી જયંતી પણ ઉજવશે જેમાં ભારત સરકાર ગુજરાતી ગરબાની લોક પરંપરાનું નામાંકન કરશે.
ગુજરાત એ ભારતમાં સૌથી વધુ વિશ્વ ધરોહર શિલાલેખો ધરાવતું રાજ્ય છે જ્યાં ચાંપાનેર, રાણીની વાવ, ઐતિહાસિક શહેર અમદાવાદ અને ધોળાવીરા જેવાં સાંસ્કૃતિક-ઐતિહાસિક વારસો ધરાવતા સ્થળો આવેલાં છે તે ગુજરાત માટે ગૌરવ સમાન છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, પુરાતત્વીય વારસો અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ તથા કેન્દ્રીય સરકારનાં સહયોગથી વડનગર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે, ભારત આઝાદીના 75 વર્ષને “આઝાદી કા અમૃત મહોત્સવ”તરીકે ઉજવી રહ્યું છે
જેના ભાગરૂપે આ ઉજવણી થઈ રહી છે. શ્રી પંકજ કુમારે ઉમેર્યું કે, યુનેસ્કો, આઇઆઇટી ગાંધીનગર, સેપ્ટ યુનિવર્સિટી, અનંત નેશનલ યુનિવર્સિટી તથા એમએસ યુનિવર્સિટી સહિત અનેક સંસ્થાઓ આ કાર્યક્રમમાં સહભાગી થઈ છે. આ કાર્યક્રમથી ભારતીય સાંસ્કૃતિક વારસા, સમૃદ્ધ પુરાતત્વીય વારસા અને ઇતિહાસ વિશે વધુ માહિતી મળશે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રીના બિલ્ટ નોલેજ ફોર સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટનાં વિઝનને આગળ ધપાવવા આ કાર્યક્રમથી સફળતા મળશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘વડનગર કોફી ટેબલ બુક’નું વિમોચન કરવામાં આવ્યું હતું. કેન્દ્રના સાંસ્કૃતિક મંત્રાલય અને ગુજરાતના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિર ખાતે યોજાયેલા વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં વક્તા તરીકે વિવિધ ૮ દેશના તજજ્ઞો, ૩૩ રાષ્ટ્રીય તજજ્ઞો તેમજ ૨૫૦૦ ડેલિગેટ્સ સહભાગી થશે.
ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા, યુનિવર્સિટી પાર્ટનર તરીકે યુનેસ્કો, અનંત નેશનલ યુનિવર્સિટી, CEPT યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી તેમજ શોધ-સંશોધન માટે બનારસ હિંદુ યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટી બરોડા, ડેક્કન કોલેજ પૂણૅ, ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.
આ કાર્યક્રમમાં વડનગરના અગ્રણી શ્રી સોમાભાઈ મોદી, રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના અગ્રસચિવ શ્રી અશ્વિનીકુમાર, રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના વ્યાખ્યાતાઓ, ગુજરાત રાજ્ય અભિલેખાગારના તથા કેન્દ્રીય પુરાતત્વ વિભાગના અધિકારીઓ, વડનગરવાસીઓ સહિત ઇતિહાસ ક્ષેત્રે અભિરુચિ ધરાવતા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.