મહાનગરોમાં વધુ એક વખત ઈમ્પેકટના એંધાણ!
બિલ્ડર લોબી અને મતદારોને ખુશ રાખવા માટે ગુડા એક્ટનો અમલ થાય તેવી શક્યતા જાેતા નિષ્ણાંતો
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં બેરોકટોક ચાલી રહેલા અનઅધિકૃત બાંધકામો સામે ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છેલ્લા બે દિવસથી દોડતા થયા છે તેમજ વેલીડ બી.યુ. ના હોવાના કારણોસર મિલ્કતો સીલ કરી રહયા છે.
અગાઉ માર્ચ મહીનામાં ફાયર એન.ઓ.સી. અને બી.યુ. માટે તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જે પધ્ધતિથી કામ કરી રહયા છે તે જાેતા ર૦૧૧-૧ર નું પુનરાવર્તન થઈ રહયુ હોય તેમ લાગી રહયુ છે તેમજ ખાલી તિજાેરી ભરવા અને બિલ્ડર લોબીના લાભાર્થે વધુ એક વખત ગુડા એકટનો અમલ કરવામાં આવે તેવી શક્યતા નિષ્ણાંતો જાેઈ રહયા છે.
નામદાર ગુજરાત હાઈકોર્ટના આકરા વલણ બાદ ર૦૧૧માં મ્યુનિ. એસ્ટેટ વિભાગ દ્વારા માર્જિન અને પાર્કીંગમાં થયેલા દબાણો દુર કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જેમાં સી.જી.રોડની અનેક બિલ્ડીંગોના અનઅધિકૃત દબાણો દુર કરવામાં આવ્યા હતા. ર૦૧રની વિધાનસભા ચૂંટણીઓ તેમજ હાઈકોર્ટને વારંવાર જવાબ આપવા ન પડે તે આશયથી ફેબ્રુઆરી ર૦૧રમાં ગુડા એક્ટ અંતર્ગત માત્ર ૦૬ મહીના માટે ઈમ્પેકટ કાયદાનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો.
જાેકે તેની પૂર્ણાહુતિ ૦૬ વર્ષ બાદ થઈ હતી તે અલગ બાબત છે. સરકાર દ્વારા ૦૬ વર્ષ માટે ગુડા એક્ટનો અમલ કરવામાં આવ્યા બાદ પણ તેના ધાર્યા પરિણામ મળ્યા ન હતા તેમજ માત્ર ર લાખ ૪૩ હજાર અરજીઓ જ બી.યુ માટે મળી હતી. સુત્રોનું માનીએ તો ર૦૧રથી ર૦૧૮ના સમય દરમ્યાન જે અરજીઓ મંજુર કરવામાં આવી છે તેની ફેર ચકાસણી કરવામાં આવે તો ઓછામાં ઓછી ૪૦ ટકા બી.યુ. રદ થાય તેમ છે.
સરકાર દ્વારા તે સમયે જાહેર કરવામાં આવેલ કટ ઓફ ડેઈટ ર૮ માર્ચ ર૦૧૧ બાદના અનેક બાંધકામોને ઈમ્પેકટ અંતર્ગત કાયદેસર કરવામાં આવ્યા છે જેના કારણે ટી.ડી.ઓ./ એસ્ટેટ ખાતાના અધિકારીઓની સંપત્તિમાં અનેકગણો વધારો થયો હોવાની પણ ચર્ચા ચાલી હતી.
શહેરમાં ૩૧મે અને ૧લી જુન એમ બે દિવસમાં જ મ્યુનિ. એસ્ટેટ વિભાગે ૧ર૦૬ યુનિટ સીલ કર્યા છે જેમાં ૮પ૧ કોમર્શીયલ, ર૯૩ હોટેલ રૂમ, રેસ્ટોરન્ટના ૧ર યુનિટ, સ્કુલના ૪૮ રૂમ અને ૦૧ ઈન્ડ. નો સમાવેશ થાય છે. નોંધનીય બાબત એ છે કે જે મિલ્કતો સીલ કરવામાં આવી છે તે પૈકી મોટાભાગની મિલ્કતોના બાંધકામ પાંચ-સાત વર્ષ અગાઉ થયા હતા જયારે હાલ ચાલી રહેલા બાંધકામો સામે આંખ આડા કાન કરવામાં આવી રહયા છે.
એસ્ટેટ વિભાગના જાણકારોએ જણાવ્યા મુજબ ભુતકાળમાં અન્ય અધિકારીએ મલાઈ તારવી હોય તેવા બાંધકામ સામે જ વર્તમાન અધિકારીઓ કાર્યવાહી કરે છે. જયારે ચાલુ બાંધકામમાં તેમના ભાગ/હિસ્સા હોવાથી ઈંટ પણ ખસતી નથી. મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ હાઈકોર્ટની લાલ આંખ થયા બાદ જ ગેરકાયદેસર બાંધકામો સામે કાયદેસર કામ કરે છે તે બાબત વધુ એકવાર પુરવાર થઈ રહી છે.
નિષ્ણાંતોનું માનવામાં આવે તો હાલ ર૦૧૧-૧રની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહયુ છે. ફાયર એન.ઓ.સી. અને બી.યુ.ના કારણોસર મિલ્કતો સીલ થઈ રહી છે. આ તમામ મિલ્કતો હાઈકોર્ટના આદેશ બાદ જ ખુલી શકે છે. જાેકે નારોલ સર્કલના “બીઝનેસ પોઈન્ટ” પર ઝોનના અધિકારીઓની રહેમ નજર હોવાથી દુકાનો અને ધંધા ખુલ્લા રહે છે તે અલગ બાબત છે પરંતુ ર૦૧રની વિધાનસભા ચૂંટણી અને હાઈકોર્ટના કડક વલણ ફરીથી તંત્ર સામે આવીને ઉભા છે જુની મિલ્કતો સીલ કરવાથી નાના વેપારીઓની દશા ખરાબ થઈ રહી છે.
જયારે ઉચ્ચસ્થાને બિરાજમાન લોકો માટે હાલ ચાલી રહેલા અનઅધિકૃત બાંધકામો પુરા કરવા કે તેના વેચાણ કરવામાં રસ છે. આવા સંજાેગોમાં નાના મતદારો અને મોટા બિલ્ડરોને ખુશ રાખવા માટે વધુ એક વખત ઈમ્પેકટનો અમલ થઈ શકે છે. ઈમ્પેકટના અમલથી ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહીથી છુટકારો મળી શકે છે તેમજ તંત્રને પણ આર્થિક ફાયદો થશે તેવા ગણિત માંડવામાં આવી શકે છે. જયારે અધિકારીઓના તો બંને હાથમાં લાડુ જ છે ! તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.