‘મહા’નું મહાસંકટ ગુજરાતમાં યથાવત
(પ્રતિનિધિ) અમદાવાદ : ‘મહા’નું મહાસંકટ હજી ગુજરાતને માથે યથાવત રહેતા તંત્રની ચિંતામાં વધારો કરી રહ્યુ છે સલામતી તથા વ્યવસ્થા માટે એન.ડી.આર.એફ.ની ટીમો આર્મી અને અરેફોર્સના જવાનોને એલર્ટ કરવામાં આવ્યા છે. વાવાઝોડાની સાથે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી પણ હવામાન ખાતા તરફથી કરવામાં આવી છે.
વાવાઝોડા સામે સરકારે તંત્રને સજ્જ કર્યુ છે એમ કહેવામાં આવે છે કે ગુજરાતમાં વાવાઝોડાએ ૩૩ વર્ષનો રેકર્ડ તોડયો છે. હાલમાં વાવાઝોડુ પોરબંદરથી ૪૮૦ કિ.મી. દૂર છે જે કલાકની ર૧ કીલોમીટરની ઝડપે આગળ વધી રહ્યુ છે જેને કારણે માછીમારી કરવા ગયેલ તમામ બોટોને પાછી બોલાવવામાં આવી છે તથા બધા બંદરો પર બે નંબરના સિગ્નલ લગાડવામાં આવ્યા છે દેશમાંથી એનડીઆરએફની ૧૭ ટીમો આજે અમદાવાદ તથા જામનગર એરપોર્ટ પર ઉતરી હોવાનું જાણવા મળે છે અને હજુ વધુ ટીમો આવવાના સંકેત મળ્યા છે. ૭મી નવેમ્બરે દિવ તથા પોરબંદર વચ્ચે ‘મહા’ ત્રાટકશે. રાજયના તમામ બંદરને ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યા છે.
વાવાઝોડા તથા સંભવિત વરસાદને પગલે પોરબંદર, ભાવનગર, દ્વારકા વગેરેના દરીયા કિનારે વસતા ગામોના લોકોને એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે. વાવાઝોડાની અસર સગર્ભા મહિલાઓ ઉપર જલ્દી થતી હોવાથી સગર્ભા મહિલાઓને સલામત સ્થળે ખસેડાઈ રહી છે.
વાવાઝોડાની ઝડપ ઓછી હશે અને કલાકના ૭૦ થી ૮૦ કીલોમીટરની હોવાનું જાણવા મળે છે દરીયો તોફાની બનતા તથા પ થી ૬ ફુટ ઉંચા મોજાઓ ઉછળતા હોવાને કારણે માછીમારોને દરીયો ન ખેડવાની અપીલ કરવામાં આવી છે પોરબંદર ચોપાટી ગેટ પાસે ‘નો એન્ટ્રી’નું બોર્ડ પણ મુકવામાં આવ્યું છે. તાપમાનમાં થઈ રહેલ વધારાને કારણે વાવાઝોડુ ત્રાટકી આફતો સર્જી રહ્યું છે જળવાયુ પરિવર્તન પણ કારણ હોવાનું કારણ પણ દર્શાવાતા વાતાવરણમાં સમતોલપણુ ન રહેતા વ્યવસ્થા પણ ખોરવાઈ જતી હોય છે.
વાવાઝોડાની સાથે પડતા વરસાદે ખેડૂતોને પાયમાલ કરી નાંખ્યા છે વરસાદ પડવાથી ખેતરમાં પાણી ભરાયા છે પાક પણ સડી ગયો છે પ૦ ટકા કપાસના પાકને નુકશાન થયું છે ઉપરાંત મગ, મગફળી, કપાસ, તથા અન્ય પાકોને નુકશાન થયાના સમાચાર છે સુકા ઘાસચારાને પણ અસર પડી છે. વાવાઝોડાને કારણે ઉછળતા મોજાઓને કારણે લોથલના દરીયા કિનારે પ્રવાસીઓને ન જવા કહેવામાં આવ્યુ છે
ઉભરાટના કીનારે પણ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વાવાઝોડાની સાથે સાથે ૬ તથા ૭ નવેમ્બરે ભારે તથા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ, વડોદરા, સુરત, આણંદ, નવસારી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.