મહાનુભાવોની પ્રતિમાની સાફ સફાઇ કરી પુષ્પમાળા અર્પણ કરાઇ
(માહિતી બ્યુરો,પાલનપુર), ગુજરાત રાજ્ય યુવક બોર્ડ, બનાસકાંઠા અને સ્વામી વિવેકાનંદ મંડળ દ્વારા લોક ઉપયોગી અને સરકારી લાભકારી યોજના છેવાડાના માનવી સુધી પહોચાડવાની પ્રવૃત્તિઓ જેવી કે, વૃક્ષારોપણ, શાળામાં પાસ વિતરણ, માં અમૃતમ કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડનું લાભાર્થીઓને વિતરણ, શાળામાં ચપ્પભલ વિતરણ, ખેલ મહાકુંભમાં સક્રિય ભાગીદારી જેવી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
હવે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ, બનાસકાંઠા દ્વારા જિલ્લા સંયોજક ગૌરાંગ પાધ્યાની સુચનાથી એક અનોખી પહેલ કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં નગરપાલિકા અને તાલુકામાં સ્થિત મહાનુભાવોની એક યાદી બનાવી અને દર માસે ૧ તારીખે આ મહાનુભાવોની પ્રતિમાની સાફ સફાઈ કરી તેને પુષ્પમાળા અર્પણ કરવામાં આવનાર છે. તે અનુસંધાને તા.૦૧/૦૯/૨૦૧૯, રવિવારના રોજ પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, ડીસા શહેર, ડીસા તાલુકો, લાખણી તાલુકો, ડીસા તાલુકો, થરાદ શહેર, ભાભર શહેર, થરા શહેર, જેવા વિવિધ સ્થળોએ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ, બનાસકાંઠાના સંયોજકો દ્વારા સાફ સફાઇ કરી તેને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી.