‘મહાભારત’માં ભીમની ભૂમિકા ભજવનાર એક્ટર પ્રવીણ કુમારનું 74 વર્ષની વયે નિધન
મુંબઈ, બીઆર ચોપરાની સિરિયલ ‘મહાભારત’માં ભીમની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવનારા અભિનેતા પ્રવીણકુમાર સોબતીનું નિધન થયું છે. તેમણે 74 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું.
તેઓ પોતાની વિશાળ કદકાઠી માટે પ્રસિદ્ધ હતા. પૌરાણિક કથા ‘મહાભારત’માં ભીમનું પાત્ર ભજવ્યા બાદ તેમણે ભારતના દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી. તેમણે અનેક બોલિવૂડ ફિલ્મોમાં વિલનની ભૂમિકા પણ ભજવી હતી, જેમાં અમિતાભ બચ્ચનની ‘શહેનશાહ’ પણ સામેલ છે.
પ્રવીણ કુમાર સોબતી એક સારા એક્ટર હોવાની સાથે સાથે એક સારા સ્પોર્ટ્સમેન પણ હતા. તેમણે હેમર અને ડિસ્કસ થ્રોમાં હાથ અજમાવ્યો હતો. તેઓ એશિયન ગેમ્સમાં ચાર મેડલ જીતી ચૂક્યા છે.
તેમના દ્વારા જીતવામાં આવેલા મેડલમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ સામેલ છે. એ ઉપરાંત તેમણે ઓલિમ્પિક ગેમ્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રમતમાં શાનદાર પ્રદર્શન માટે પ્રવીણ કુમારને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રમતમાં સારા હોવાને કારણે પ્રવીણ કુમારને સીમા સુરક્ષા દળ (BSF)માં ડેપ્યુટી કમાન્ડન્ટની નોકરી મળી હતી. જોકે આ બધા પછી પ્રવીણ કુમાર સોબતીએ અભિનયમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું હતું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ એક ટૂર્નામેન્ટ માટે કાશ્મીરમાં હતા, એ દરમિયાન બોલિવૂડ ફિલ્મ સાઈન કરવાની તક મળી હતી.