મહામારીના મુશ્કેલ સમયમાં ભારતની દરેક શક્ય મદદ કરવા તૈયાર : ચીન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/China-scaled.jpg)
બેઈજિંગ: ભારત વિરુદ્ધ નીતનવી ચાલ ચલતું ચીન હવે ભારતની મદદ કરવાની વાતો કરે છે. ચીનનું કહેવું છે કે તે કોરોના મહામારીના મુશ્કેલ સમયમાં ભારતની દરેક શક્ય મદદ કરવા તૈયાર છે. ભારત સંબંધિત એક સવાલના જવાબમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે કોવિડ-૧૯ મહામારી સમગ્ર માનવતા માટે દુશ્મન છે. જેને પહોંચી વળવા માટે આંતરરાષ્ટ્રીય એકજૂથતા અને પરસ્પર મદદની જરૂરિયાત છે. તેમણે વધુમાં કહ્યું કે આ મુશ્કેલ ઘડીએ અમે ભારતની મદદ કરવા તૈયાર છીએ. અહીં નોંધવા જેવી વાત એ છે કે ચીને જ સમગ્ર દુનિયાને આ કોરોના સંકટમાં ધકેલ્યું છે.
વાંગ વેનબિને કહ્યું કે અમને ભારતમાં બગડતી પરિસ્થિતિ અને ચિકિત્સા આપૂર્તિની અસ્થાયી કમી અંગે જાણ થઈ છે. મહામારીને કાબૂમાં લેવા માટે ચીન ભારતને દરેક શક્ય મદદ કરવા તૈયાર છે. વેનબિને વધુમાં કહ્યું કે આપણા બધાનો લક્ષ્ય કોરોનાને હરાવવાનો છે અને તેના માટે અમે અમારા પાડોશીઓની મદદ કરવા તૈયાર છીએ. જાે કે હજુ એ સ્પષ્ટ નથી કે શું ચીને મદદ માટે ભારતને અધિકૃત રીતે કોઈ રજુઆત કરી છે?
ભારતમાં કોરોનાની વાત કરીએ તો રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. ગુરુવારે ૩.૧૪ લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. નોંધવા જેવી વાત એ છે કે દુનિયાના કોઈ પણ દેશમાં એક દિવસમાં કોરોનાના આટલા બધા કેસ સામે આવ્યા નથી. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં દોઢ કરોડથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. અમેરિકા બાદ સૌથી વધુ કેસ મામલે ભારત બીજા નંબરે આવી ગયું છે.
કોરોના વાયરસની શરૂઆત વર્ષ ૨૦૧૯ના અંતમાં ચીનના વુહાનથીથઈ હતી. ત્યારબાદ સમગ્ર દુનિયામાં આ વાયરસ ફેલાઈ ગયો. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શરૂઆતથી જ ચીનને કોરોના માટે દોષિત માનતા આવ્યા છે. તેમણે ચીન પર કેટલાક પ્રતિબંધો પણ લગાવ્યા હતા અને વિશ્વ આરોગ્ય સંગઠન સાથે સંબંધ પણ તોડી નાખ્યો હતો. ટ્રમ્પનું કહેવું હતું કે ડબ્લ્યુએચઓ ચીન સાથે મળેલું છે. જાે કે ટ્રમ્પના આ દાવાને કોઈ સંપૂર્ણ રીતે ફગાવી શક્યું નથી. કારણ કે વિશ્વ આરોગ્ય સંગઠનની ટીમે કોરોનાની તપાસના નામે ચીનમાં જે કઈ કર્યુંતેનાથી ક્યાંકને ક્યાંક એવો સંદેશ ગયો કે ડબ્લ્યુએચઓ ચીનને દોષિત ઠેરવવા માંગતુ નથી.