મહામારી વચ્ચે કોરોના ગાઇડ લાઇન સાથે નીકળેલી રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન
અમદાવાદમાં ભગવાન જગન્નાથ,ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ નગરચર્યા કરી પરત થયા
કોરોના ગાઇડલાઇનના નિયમોના પાલન સાથે પણ ઘરે બેઠા ઓનલાઈન દર્શનનો લાભ લઈ ભકતજનો ભાવવિભોર
કોરોના માર્ગદર્શિકાના પાલન સાથે રથયાત્રા શાંતિ અને આસ્થાપૂર્ણ સંપન્ન કરવા નગરજનોના સહયોગ બદલ આભાર વ્યક્ત કરતા ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા
જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજે રથયાત્રાના સુદ્ઢ આયોજન બદલ રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી
કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલ કોરોના માર્ગદર્શિકાના પાલન સાથે આજે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા નીકળી હતી.
ભગવાનના દર્શનનો લ્હાવો ભક્તજનો વિવિધ નિયમાધિન રહી મેળવી શક્યા હતા. નિશ્ચિત સંખ્યામાં ખલાસીઓની મદદથી રથપ્રસ્થાન વેળાએ મંદિર પરિસર તથા રૂટ પર ખલાસીઓ દ્વારા કરાયેલ ‘જય રણછોડ માખણચોર’ના નાદથી વાતાવરણ અત્યંત ભક્તિમય બન્યું હતું.
ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ રથયાત્રા મંદિર પરિસરમાં પરત ફરતી વેળાએ જણાવ્યું હતું કે, કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે સરકારી દિશાનિર્દેશોના પાલન સાથે નીકળેલી ભગવાન જગન્નાથની ૧૪૪ મી રથયાત્રા અંદાજે ૨૦ કિ.મીની નગરચર્યા કરીને શાંતિપૂર્ણ સંપન્ન થઈ છે જે બદલ તેઓએ નગરજનો ઉપરાંત જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી શ્રી મહેન્દ્ર ઝા નો સમગ્ર વ્યવસ્થાપન માટે આભાર વ્યક્ત કર્યો હતો.
૧૪૪મી રથયાત્રાના બંદોબસ્ત માટે રાજ્યભરમાંથી આવેલા પોલીસ જવાનોની કર્તવ્યનિષ્ઠાને ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ બિરદાવી હતી.
આ સમગ્ર રથયાત્રાના દૂરદર્શન અને વિવિધ પ્રચાર પ્રસાર માધ્યમોથી ભક્તજનોએ ઘરે બેઠા દર્શન કર્યા હતા.
“જગતના તાત ભગવાન જગન્નાથ”ની કોરોના મહામારી વચ્ચે નીકળેલી રથયાત્રા આગામી વર્ષે વિધિવત આયોજન થાય અને કોરોનામાંથી સમગ્ર રાજ્ય, દેશ અને વિશ્વ મુક્ત થાય તેવી પ્રાર્થના ભગવાન જગન્નાથને ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી.
જગન્નાથ મંદિરના મહારાજ શ્રી દિલીપદાસજી મહારાજે ભગવાન જગન્નાથની રથયાત્રાનો સુંદર આયોજન કરવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સહિત પોલીસ અધિકારીઓના મળેલા સહયોગ અને સહકાર અને દિલીપદાસજી મહારાજે બિરદાવ્યા હતા.
‘ન ભૂતો ન ભવિષ્યતિ’ કહી શકાય તેવી રથયાત્રાનો કોરોના મહામારી વચ્ચે પણ સુચારુ આયોજન અને તેની સફળતા બદલ દિલીપદાસજી મહારાજ સહિત તમામ ભક્તજનો અને સંતોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટ ભાઈ પરમાર, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી અમિતભાઇ શાહ, શહેરના અગ્રણી શ્રી ભૂષણભાઈ ભટ્ટ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ, અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.