અંબાજીમાં મહામેળા પ્રસંગે ૧૧૫ ગ્રામ સોનું ભક્તો દ્વારા માતાજીને ધરાવાયું
પાલનપુર, અંબાજી ભાદરવી મહામેળા પ્રસંગે માઇભક્તો દ્વારા ૧૧૫.૧૫ ગ્રામ સોનું દાગીના અને વિવિધ સ્વરૂપે માતાજીને ધરાવાયું છે. મુંબઇના શ્રી મધુકુમાર ભરતકુમારે ૬૦ ગ્રામ શુધ્ધ સોનાનો હાર તથા બાજુબંધ માતાજીને ધરાવ્યા છે. જેની કિંમત રૂપિયા બે લાખ થાય છે. ચોકારી તા.પાદરા જિ.વડોદરાના શ્રી અર્જુનસિંહ ગણપતસિંહ પઢીયારે માતાજીને ૩૦.૩૦ ગ્રામ શુધ્ધ સોનાની ચરણ પાદુકા ધરાવી છે. જેની કિંમત રૂ.૧,૦૪,૫૦૧.૦૦ થાય છે. પટેલ શૈલેષકુમાર મહેન્દ્રભાઇ સણાદરા તા. ગલતેશ્વર જિ.ખેડા તરફથી ૧.૨૫ ગ્રામ સોનાની નથ માતાજીને ધરાવી છે. જેની કિંમત રૂ.૩,૮૫૦ છે. ઉપરાંત અન્ય માઇભક્તો દ્વારા ૨૩ ગ્રામ શુધ્ધ સોનાની લગડીઓ ધરાવવામાં આવી છે.
મહોમળામાં સરસ સ્વચ્છતા બદલ યાત્રાળુઓ-કલેકટરશ્રીની સંદીપ સાગલેની સરાહના
અંબાજી મહામેળામાં લાખો યાત્રિકો આવવા છતાં અંબાજી મુકામે અને રસ્તાઓ ઉપર સરસ સ્વચ્છતા જોઇ યાત્રિકોએ કલેકટરશ્રી સંદીપ સાગલેની સરાહના કરી છે. અમદાવાદથી આવેલ એક શિક્ષિત યુવાનોના ગૃપના મિત્રો ચાચર ચોકમાં ચર્ચા કરતાં હતા કે, આ વર્ષે મહામેળામાં સરસ સ્વચ્છતા જોઇ બહુ આનંદ થયો છે. તેઓ ચર્ચા કરતાં હતા કે, સફાઇ માટે વધુ માણસોને કામે રખાતા સરસ સ્વચ્છતા જળવાઇ છે. આ ગૃપમાં એક માઇભક્તે કહ્યું માતાજીના ધામમાં સરસ સ્વચ્છતાના લીધે પવિત્રતા અને સ્થાનની ગરીમા પણ સચવાઇ છે. એ ગૃપના મિત્રોએ અંબાજીમાં સરસ સ્વચ્છતા બદલ જિલ્લા વહીવટીતંત્રની પ્રશંસા કરી હતી.
દાંતા પ્રાંત અધિકારી શ્રીમતી કુસુમબેન પ્રજાપતિએ સફાઇ કામગીરીનું નિરીક્ષણ કર્યુ
મહામેળા પ્રસંગે દાંતા પ્રાંત અધિકારી શ્રીમતી કુસુમબેન પ્રજાપતિએ રસ્તાઓ ઉપર વિશેષ કરીને સેવાકેમ્પોમાં સ્વચ્છતા અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે સેવાકેમ્પોના સંચાલકો અને સ્વયંસેવકોને જણાવ્યું કે, મા અંબાના આ પવિત્ર અને ભવ્ય અવસર સમાન મહામેળામાં સરસ સ્વચ્છતા જાળવીએ. શ્રીમતી કુસુમબેન પ્રજાપતિએ સેવાકેમ્પોની મુલાકાત દરમ્યાન રસોડા સહિત વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યુ હતું.