મહારાષ્ટ્રઃ પદ્મ વિભૂષણથી સન્માનિત બાબાસાહેબ પુરંદરેનું 99 વર્ષની વયે નિધન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Purandare-1024x639.jpg)
નવી દિલ્હી, ભારતના જાણીતા ઈતિહાસકાર અને લેખક બાબાસાહેબ પુરંદરેનું સોમવારે સવારે પુણેની દીનાનાથ મંગેશકર મેમોરિયલ હોસ્પિટલ ખાતે અવસાન થયું છે. તેઓ 99 વર્ષના હતા. હોસ્પિટલ પ્રશાસનના કહેવા પ્રમાણે પુરંદરેને શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં સ્થિતિ ગંભીર થતાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની સ્થિતિમાં કોઈ સુધારો નહોતો થયો.
જાણવા મળ્યા મુજબ બાબા પુરંદરે પોતાના ઘરમાં બાથરૂમમાં પડી ગયા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમના અવસાન અંગે જાણીને દેશભરના તેમના ચાહકોએ શોક વ્યક્ત કર્યો છે.
બાબાસાહેબ પુરંદરે દેશના લોકપ્રિય ઈતિહાસકાર-લેખક ઉપરાંત થિયેટર કલાકાર પણ હતા. તેઓ છત્રપતિ શિવાજી મહારાજ પરની વિશેષજ્ઞતાને લઈ પ્રખ્યાત છે. બાબા પુરંદરેએ શિવાજીના જીવનથી લઈને તેમના પ્રશાસન અને તેમના કાળના કિલ્લાઓ અંગે પણ અનેક પુસ્તકો લખ્યા છે. તે સિવાય તેમણે છત્રપતિના જીવન અને નેતૃત્વ શૈલી પર એક લોકપ્રિય નાટક- જનતા રાજાનું પણ ડિરેક્શન કર્યું હતું.
બાબા પુરંદરેના અવસાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું હતું કે, ‘બાબાસાહેબનું કામ પ્રેરણા આપનારૂ હતું. હું જ્યારે પુણેના પ્રવાસે ગયો હતો ત્યારે તેમનું નાટક જનતા રાજા જોયું હતું, જે છત્રપતિ શિવાજી મહારાજ પર આધારીત હતું. બાબાસાહેબ જ્યારે અમદાવાદ આવતા ત્યારે પણ હું તેમના કાર્યક્રમોમાં સહભાગી બનવા માટે જતો હતો.’