મહારાષ્ટ્રઃ પરમબીર સિંહ કેસની તપાસ CBI કરશે
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના કેસ મામલે મહારાષ્ટ્ર સરકારને ભારે મોટો આંચકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે CBIને આ કેસની તપાસ સોંપી દીધી છે.
પોલીસ અધિકારીઓ અને સરકાર પર ગંભીર આરોપો હોવાથી પીઠે બોમ્બે હાઈકોર્ટના આદેશને સાઈડલાઈન કરીને CBIને તપાસની સોંપણી કરી છે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમએમ સુંદરેશની પીઠે મહારાષ્ટ્ર સરકારને પાંચેય FIR સાથે સંબંધીત તમામ દસ્તાવેજો અને પુરાવાઓ એક સપ્તાહની અંદર CBIને સોંપવા માટે આદેશ આપ્યો છે.
આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજય કિશન કૌલની આગેવાનીવાળી પીઠે જણાવ્યું કે, અમે એ નથી માની શકતા કે સત્તા બદલાતા જ બધું પલટાઈ જાય છે. અધિકારીઓ સામે FIR થવા લાગે છે. પોલીસ અધિકારીઓ અને સરકાર પર ગંભીર આરોપ છે માટે પીઠે બોમ્બે હાઈકોર્ટના આદેશને સાઈડલાઈન કરીને CBIને તપાસની સોંપણી કરી છે.
કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે, પરમબીર સિંહ સામે જે તપાસ ચાલી રહી હતી તે ચાલતી રહેશે પરંતુ પરમબીર સિંહનું સસ્પેન્શન રદ્દ નહીં થાય. આ સાથે જ અત્યાર સુધીમાં નોંધાયેલી 5 FIR સિવાય આ કેસ સાથે સંબંધીત નવી કોઈ FIR દાખલ કરવી પડે તો તે CBI જ કરશે.
મહારાષ્ટ્ર સરકારે કોર્ટમાં પોતાનો પક્ષ રાખતા કહ્યું કે, કોઈ પણ તપાસ માટે રાજ્ય તરફથી સહમતિ જરૂરી છે. સરકારી વકીલે કહ્યું કે, CBI તપાસથી પોલીસનું મનોબળ પ્રભાવિત થશે. સરકારનો પક્ષ રાખી રહેલા વકીલે એમ પણ કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર CBI તપાસના પક્ષમાં નથી.