મહારાષ્ટ્રથી ગુજરાત આવતા લોકોને રિપોર્ટ દેખાડવો પડશે
અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે બાજુના રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ખુબ જ કેસ આવી રહી છે. આ સ્થિતિમાં ગુજરાત સરકારે નવા નિર્દેશો જાહેર કરતા મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ મુસાફરોએ છેલ્લા ૭૨ કલાકમાં આરટી-પીસીઆર ટેસ્ટ કરાવેલો હોવો જાેઈએ અને આ ટેસ્ટનું નેગેટિવ પરિણામ હોવું જાેઈએ. ગુજરાતમાં જે કેસ વધી રહ્યા છે તેનું કોન્ટેક્ટ ટ્રેસિંગ હાથ ધરાવતા કેટલાક ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. તેમાં જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્રમાંથી મુસાફરી કરીને પરત આવેલા કે તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓમાં કોરોનાના સંક્રમણનું પ્રમાણ વધારે જાેવા મળેલ છે.
જેથી મહારાષ્ટ્ર રાજયમાંથી કોવિડ-૧૯નાં કેસોનો વ્યાપ ગુજરાત રાજયમાં ન વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા તકેદારીના પગલાંરૂપે એપિડેમિક ડીસીઝ એકટ, ૧૮૯૭ અન્વયે મળેલ સત્તાની રુએ નીચે મુજબના પગલાં લેવા હુકમ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ ઈચ્છુક તમામ વ્યક્તિઓએ છેલ્લાં ૭૨ કલાકમાં ઇ્ઁઝ્રઇ ટેસ્ટ કરાવેલ હોય અને તેનો રિપોર્ટ નેગેટિવ હોય તેઓને જ હવે પ્રવેશ મળવાપાત્ર થશે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કરનાર તમામ વ્યકિતઓનું સ્ક્રીનિંગ ફરજીયાત પણે કરવાનું રહેશે.
રાજ્ય સરકારે કરેલા આદેશ અનુસાર આ હુકમનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો રહેશે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરનાના ૨૮,૯૯૯ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કે, ૧૩,૧૬૫ લોકો ડિસ્ચાર્જ કરાયા છે અને ૧૩૨ લોકોના મોત થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ ૨,૩૩,૦૨૬ થઈ ગયા છે. જ્યારે કે અત્યાર સુધીમાં કુલ ૫૩,૫૮૯ લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં હાલમાં કોરોનાના કુલ ૨,૩૦,૬૪૧ સક્રિય મામલા છે. ગુજરાતમાં મંગળવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૭૩૦ નવા કેસો નોંધાયા છે જ્યારે ૧૨૫૫ દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના કારણે વધુ ૪ દર્દીના મોત થયા છે. ગુજરાતમાં આજે કુલ ૨,૨૫,૫૫૫ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં કોરોનાને હરાવીને સાજા થવાનો દર ૯૫.૬૦ ટકા નોંધાયો છે. રાજ્યના મોટા શહેરોમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૫૦૨, સુરતમાં ૪૭૬, વડોદરામાં ૧૪૨, રાજકોટમાં ૧૧૭ કોરોનાના કેસો નોંધાયા છે.