મહારાષ્ટ્રથી ગુમ થયેલી યુવતીને અમદાવાદમાંથી શોધી પરિવારને સોંપાઈ
સ્વજનની જેમ કાઉન્સેલિંગ કરીને પરિવારથી નારાજ ‘પ્રિતી’નું પુનઃમિલન કરાવતી અમદાવાદ પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની (AHTU)ની ટીમ
મહારાષ્ટ્રના જલગાંવના જામનેરથી ગુમ થયેલી યુવતીને ટેક્નિકલ સર્વેલન્સને આધારે અમદાવાદના મણિનગરમાંથી શોધી પરિવારને સોંપાઈ
9 જુલાઈએ મહારાષ્ટ્રના જામનેરમાં નોંધાઈ ગુમ થવાની ફરિયાદ, ગણતરીના દિવસોમાં અમદાવાદ પોલીસે ઉકેલ્યો કેસ.
********
અમદાવાદ પોલીસ પ્રજાનો સાચો મિત્ર, હવે તો આ વાતની સાબિતી ગુજરાતના સીમાડાની બહાર રહેતા મહારાષ્ટ્રના પરિવારને પણ મળી ચુકી છે. સમગ્ર હકિકત એવી છે કે, તા- 09/07/2022ના રોજ મહારાષ્ટ્રના જલગાવ જીલ્લાના જામનેર પોલીસ મથકમાં 21 વર્ષિય પ્રિતી (નામ બદલ્યું છે) નામની પરિણીતા ગુમ હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
અમદાવાદ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના અધિકારીઓ અને કર્મચારીઓને યુવતીને શોધવાની સુચના આપવામાં આવી હતી. સુચના મળતા જ વિવિધ પાસાઓ પર તપાસ તેજ કરાઈ. જેમાં ખાનગી બાતમીદારો અને ટેક્નિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી રહી હતી.
આ દરમિયાન પો.સબ.ઈન્સ્પેક્ટર જી.આર.ચૌહાણ અને હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ જયરામભાઈને ખાનગી રાહે બાતમી મળી કે ગુમ થનાર યુવતી અમદાવાદના મણિગનર વિસ્તારમાં રહે છે. યુવતીના મોબાઈલ નંબર પરથી ચાલતા ટેક્નિકલ સર્વેલન્સમાં પણ સમાંતર વિગતો મળી હતી.
પોલીસને પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે પ્રિતી (નામ બદલ્યું છે) મણિનગર વિસ્તારમાં આવેલી ગીતા રેસિડેન્સી ખાતે અન્ય યુવતીઓ સાથે એક પીજી પ્રકારના રહેણાકમાં છેલ્લા કેટલાક દિવસોથી રહેતી હતી. જેથી મહિલા પોલીસકર્મીઓને સાથે રાખીને ટીમ બાતમીવાળી જગ્યાએ પહોંચી.
બાતમીવાળી જગ્યા પરથી કિર્તી મળી આવતા તેણીને AHTU, ક્રાઈમબ્રાંચ- અમદાવાદ શહેર ખાતે લાવી તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પારિવારિક પ્રશ્નને કારણે નારાજ હોવાથી તેણી પરિવાર છોડીને અમદાવાદ આવી હોવાનું માલૂમ પડ્યું હતું.
ત્યારબાદ પોલીસે તેણીનું ધોરણસરનું નિવેદન નોંધીને જામનેર પોલીસ થકી પરિવારનો સંપર્ક સાધ્યો હતો. હકીકત જાણવા મળતા જ જામનેર પોલીસની એક ટીમ કિર્તીના પરિવારજનોને લઈને અમદાવાદ પહોંચી. સમજાવટ બાદ કિર્તી ચૌધરી તેના પરિવાર સાથે જવા રાજી થતા તેણીને પરિવારને સોંપવામાં આવી હતી.
આમ, અમદાવાદ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી (નામ બદલ્યું છે) પરિવાર સાથે મિલન કરાવીને ફરજનિષ્ઠા ઉપરાંત સામાજીક સેવાનું પણ પ્રશંસનીય કામ કર્યું છે.