મહારાષ્ટ્રના તોરણતાલમાં મુસાફરોથી ભરેલી જીપ ખીણમાં ખાબકતા ૮નાં મોત
મુંબઇ: મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદના પર્યટક સ્થળ તોરણતાલમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આમાં અત્યાર સુધી ૮ લોકોનાં મોત નીપજ્યાં છે. ૧૫ લોકો ઘાયલ થયા છે. અહીં મુસાફરોથી ભરેલી જીપ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માત મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં થયો હતો. મૃત્યુ પામેલા બધા લોકો બરવાની જિલ્લાના ચરવી અને સેમલેટ ગામના રહેવાસી છે. અકસ્માત બાદ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે દુઃખ વ્યક્ત કર્યું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહ દૂર-દૂર સુધી ખીણમાં વેરવિખેર થઈને પડ્યા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે જીપમાં ૨૦ થી ૨૫ લોકો સવાર હતા. રસ્તામાં જીપ બેકાબૂ થઈ ગઈ અને ઉંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ અને સ્થાનિક વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મોડી રાત સુધી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.અધિકારીઓના જણાવ્યા મુજબ, આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તોરણતાલ અને મહાસવાદની ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ૫ ઇજાગ્રસ્તોને નંદુરબાર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મોડી રાત સુધી ખીણમાં લોકોની શોધખોળ ચાલી રહી હતી. જાે કે, દૂરસ્થ ગ્રામીણ વિસ્તાર હોવાને કારણે, સત્તાવાર માહિતી મળી શકી નથી.