મહારાષ્ટ્રના થાણેમાં બિલ્ડિંગનો સ્લેબ પડતા સાતનાં મોત થયા

ઉલ્હાસનગરના નેહરૂ ચોકમો આવેલા સાઈ સિદ્ધિ બિલ્ડિંગના પડી જવાનું કારણ હજી જાણી શકાયું નથી, કાટમાળમાં અનેક લોકો ફસાયાની શંકા
મુંબઈ: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં શુક્રવાર મોડી રાત્રે એક મોટી દુર્ઘટના બની. ઉલ્હાસનગરમાં એક રહેણાંક બિલ્ડિંગનો સ્લેબ પડતાં ૭ લોકોનાં મોત થયા છે. જ્યારે અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ફાયર બ્રિગેડની ટીમ સાથે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઘટનાસ્થળે છે. આ લોકો કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બિલ્ડિંગનું નામ સાઈ સિદ્ધિ છે, જે ઉલ્હાસનગરના નેહરૂ ચોક ખાતે સ્થિત છે.
બિલ્ડિંગ ઘરાશાયી થવા પાછળનું કારણ હજી સુધી જાણ શકાયું નથી. મીડિયા રિપોર્ટ મુજબ બિલ્ડિંગના પાંચમા માળનો સ્લેબ સીધો ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યો હતો. દુર્ઘટનાને પગલે કોર્પોરેશન અને ફાયર ટીમ દ્વારા કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે શુક્રવારે રાતે બનેલી ઘટનામાં ૫ લોકોના મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જાે કે, બચાવ કામગીરી દરમિયાન વધુ બે લોકોના શબ મળી આવ્યા છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન મુજબ ઉલ્હાસનગરમાં બનેલી દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક ૭ પર પહોચી ગયો છે.
હજી પણ લોકો ફસાયા હોવાની આશંકાએ બચાવ કામગીરી ચાલુ છે. આ દુર્ઘટના શુક્રવાર રાત્રે લગભગ ૯ વાગ્યે બની. પાંચમા માળનો સ્લેબ નીચે પડ્યો અને ચોથા, ત્રીજા, બીજા અને પહેલા માળની છતને તોડીને નીચે આવીને પડ્યો. દુર્ઘટના સમયે પાંચમા માળ પર અનેક લોકો ઉપસ્થિત હતા. રાહતની વાત એ રહી કે બીજા કોઈ માળ પર લોકો નહોતા.
અત્યાર સુધી ૭ મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી ચૂક્યા છે. આ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, હજુ ૩-૪ લોકો ફસાયેલા હોઈ શકે છે. બીજી તરફ થાણે નગર નિગમનું બચાવ અભિયાન ચાલુ છે. થાણે મ્યુનિસિપલ કોર્પેરેશનના અધિકારી ફાયર બ્રિગેડ ટીમની સાથે ઘટનાસ્થળ પર છે.
આ કાટમાળમા; ફસાયેલા લોકોને કાઢવામાં લાગ્યા છે. આ બિલ્ડિંગમાં કુલ ૨૯ ફ્લેટ છે. અત્યાર સુધીની મળેલી જાણકારી મુજબ, આ બિલ્ડિંગમાં ૨૬ પરિવાર રહેતા હતા. હાલના દિવસોમાં ઉલ્હાસનગરમાં આ બીજી ઘટના છે. આ પહેલા ૧૫ મેના રોજ પણ અહીં એક રહેણાંક બિલ્ડિંગની છત પડી ગઈ હતી. જેના કારણે ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકોનાં મોત થયા હતા. આ ઘટનામાં ૧૧ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા.