મહારાષ્ટ્રના નાંદેડ અને બીડમાં 4 એપ્રિલ સુધી લોકડાઉન
નવી દિલ્હી, દેશમાં સૌથી વધુ કેસો ધરાવતા મહારાષ્ટ્રના બે જિલ્લામાં રાજ્ય સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. જે અનુસાર, નાંદેડ અને બીડમાં આજે રાત્રે ૧૨ વાગ્યાથી લોકડાઉન લાગુ પડી જશે, જે ૪ એપ્રિલ સુધી અમલમાં રહેશે. આ દરમિયાન જીવનજરુરી ચીજવસ્તુઓની દુકાનો સવારે ૭ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી ખૂલ્લી રહેશે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. રોજેરોજ નોંધાઈ રહેલા કેસોની સંખ્યા ૨૦૨૦ના સ્તરને પણ પાર કરી ગઈ છે. હજુ ગઈકાલે જ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે, કોરોનાનો પ્રસાર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે સ્થિતિને કાબૂમાં લેવા માટે લોકડાઉનનો વિકલ્પ ખૂલ્લો છે.
સીએમે ગઈકાલે આ મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક પણ કરી હતી. હાલ મહારાષ્ટ્રમાં નાગપુર ઉપરાંત, મુંબઈ અને પુણેમાં પણ નવા કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. તેવામાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને ચેતવણી આપી છે કે જાે પ્રજા ગંભીર નહીં થાય તો સરકાર પાસે લોકડાઉન લાદવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે.
ગુજરાત સરકારે પણ હોળીને લઈને દિશાનિર્દેશ જાહેર કર્યા છે. સરકારે જણાવ્યું છે કે, હોળીને દર વર્ષની માફક પરંપરાગતરુપે નહીં, પરંતુ મર્યાદિત રિવાજાે સાથે મનાવવામાં આવશે. આયોજકોએ કોરોનાની ગાઈડલાઈન્સનું સખ્તાઈથી પાલન કરવાનું રહેશે. ધૂળેટીના દિવસે જાહેરમાં ઉજવણી તેમજ લોકોના ભેગા થવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
બીજી તરફ, કેન્દ્ર સરકારે પણ રાજ્યોને કોરોનાને કાબૂમાં લેવા માટે પોતાની રીતે નિયંત્રણો મૂકવા માટે જણાવ્યું છે. કેન્દ્ર સરકારના એડિશનલ હેલ્થ સેક્રેટરીએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. જેમાં સલાહ આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં હોળી, ઈસ્ટર, ઈદ જેવા તહેવારો આવી રહ્યા છે. આ દરમિયાન ભીડ ભેગી ના થાય તે સુનિશ્ચિત કરવા સરકારો સ્થાનિક સ્તરે નિયંત્રણો મૂકી શકે છે.
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કુલ ૪૭,૨૬૨ નવા કેસ નોંધાયા છે. જેમાંથી મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતનો ૭૭.૪૪ ટકા જેટલો ફાળો છે.