મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલીકની ધરપકડ: ૮ દિવસના રિમાન્ડ મંજૂર

દાઉદ કનેક્શન અને મની લોન્ડ્રીંગના કેસમાં
(એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રના કેબિનેટ મિનિસ્ટર તેમજ એનસીપીના નેતા નવાબ મલિકની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મલિકના કથિત અંડરવર્લ્ડ કનેક્શન અંગે તેમની આઠ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. નવાબ મલિકે મુંબઈના કુર્લા વિસ્તારમાં એક જમીનને સાવ પાણીના ભાવે વર્ષો પહેલા ખરીદી હતી. આ જ મામલે ઈડી દ્વારા તેમની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરાઈ હતી.
મલિક પર આરોપ છે કે તેમણે આ જમીન અંડરવર્લ્ડના લોકો પાસેથી ખરીદી હતી. થોડા મહિનાઓ પહેલા મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે મલિક પર આરોપ લગાવ્યો હતો કે મલિકના પરિવારે આ જમીનની કિંમત સાડા ત્રણ કરોડ રુપિયા જણાવી હતી જેથી સ્ટેમ્પ ડ્યૂટી ઓછી ભરવી પડે.
જ્યારે તેનું પેમેન્ટ કરાયું ત્યારે તેની કિંમત ૨૫ રુપિયા પ્રતિ ચોરસ ફુટ ગણાવાઈ હતી પરંતુ પેમેન્ટ ૧૫ રુપિયાના હિસાબે કરાયું હતું. ઇડીના અધિકારીઓએ નવાબ મલિકને કોર્ટમાં રજૂ કરી નવાબ મલિક વિરૂદ્ધ પુરાવા રજૂ કર્યા હતા અને ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી હતી કોર્ટે નવાબ મલિકના ૮ દિવસના એટલે કે ૩માર્ચ સુધીના રીમાન્ડ મંજૂરી કર્યા છે બીજી બાજુ નવાબ મલિકની ધરપકડથી મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયુ છે. ઠેર ઠેર ધરપકડના વિરોધમાં ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત નવાબ મલિકનું રાજીનામું નહીં લેવામાં આવે તેવી જાહેરાત સાથી પક્ષો દ્વારા કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને એનસીપીના વડા શરદ પવાર વચ્ચે પણ બેઠક યોજાઇ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર દાઉદ ઈબ્રાહિમના મની લોન્ડ્રિંગના કેસમાં નવાબ મલિકની પૂછપરછ કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા ઈડીએ ઈકબાલ કાસકરને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો હતો. ઈકબાલે ઈડીને જે કંઈ જણાવ્યું તેના આધારે જ નવાબ મલિકની પૂછપરછ કરવામાં આવી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
નવાબ મલિકની ધરપકડ પર એનસીપીના વડા શરદ પવારે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે નવાબ મલિક ઘણા સમયથી ભાજપ વિરુદ્ધ બોલી રહ્યા હતા, આ કાર્યવાહી આ જ કારણે કરવામાં આવી છે. નવાબ મલિકનું નામ હવે દાઉદ સાથે જાેડવામાં આવી રહ્યું છે.
મને એ વાતનો અંદેશો હતો જ કે આવનારા દિવસોમાં નવાબ મલિકને આ પ્રકારે પરેશાન કરવામાં આવશે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે નવાબ મલિકની ધરપકડ અંગે જણાવ્યું હતું કે ભાજપ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારા લોકોને કેન્દ્રિય તપાસ એજન્સીઓ દ્વારા ડરાવવા તેમજ ધમકાવવામાં આવે છે. આજે ઈડીએ પણ તે જ કર્યું છે.
તેમમે સવાલ કર્યો હતો કે મહાવિકાસ અઘાડીના નેતાઓ પર જ ઈડીની કાર્યવાહી કેમ થઈ રહી છે? શું ભાજપના નેતાઓ સામે કોઈ કેસ છે જ નહીં? શું તે બધા દૂધના ધોયેલા છે? તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સાંજ સુધીમાં નવાબ મલિક ચોક્કસ મુક્ત થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ નવાબ મલિકે તત્કાલિન એનસીબી અધિકારી સમીર વાનખેડે સામે એક પછી એક સંગીન આક્ષેપ કર્યા હતા. જેમાં વાનખેડેએ પોતાનો અસલી ધર્મ છૂપાવ્યો છે તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. મલિકે સમીર વાનખેડેને હપ્તાખોરીનું રેકેટ ચલાવતા અધિકારી ગણાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે વાનખેડેએ નકલી દસ્તાવેજાેથી સરકારી નોકરી મેળવી છે અને તેઓ ગેરકાયદે રીતે એક રેસ્ટોરાંની માલિકી પણ ધરાવે છે.
મહારાષ્ટ્ર સરકારમાં બેઠેલા સાથી પક્ષોના અગ્રણીઓની મળેલી બેઠકમાં કેન્દ્ર સરકાર પર ભેદભાવ ભરી નીતીનો આક્ષેપ કરી આગામી દિવસોમાં ધરપકડના વિરૂદ્ધમાં દેખાવો કરવાનો નિર્ણય લેવાયો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમના બેનર્જીએ પણ મહારાષ્ટ્ર સરકારની તરફેણમાં કેન્દ્ર સરકારની આ કાર્યવાહીમાં ભેદભાવભરી ગણાવી હતી અને તેમણે શરદ પવાર સાથે પણ ચર્ચા કરી હતી.