મહારાષ્ટ્રનો ફોર્મુલા નક્કી : ઉદ્ધવ મુખ્યમંત્રી હશે, NCP -કાંગ્રેસના ભાગે ઉપમુખ્યમંત્રીનું પદ
નવીદિલ્હી, મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે હવે કંઈક સ્થિતિ સ્પષ્ટ થતી જોવા મળી રહી છે. જોકે, કાંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યુ કે, સરકાર રચવાને લઈ તેમની કોઈ વાતચીત નથી થઈ. તેમ છતાંય સૂત્રોનું કહેવું છે કે, ત્રણ પાર્ટીઓના ગઠબંધન વિશે વાતચીત સ્પષ્ટ થઈ ગઈ છે અને નવી સરકાર ડિસેમ્બરની શરૂઆત સુધી પોતાનું કામ સંભાળી લેશે.
આ દરમિયાન શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હશે અને એનસીપી-કાંગ્રેસની પાસે બે ઉપમુખ્યમંત્રી પદ સંભાળશે. સૂત્રોનું કહેવું છે કે, એ વાત પર કોઈ બે મત નથી કે ઉદ્ધવ જ પૂરા પાંચ વર્ષ માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહેશે અને આ દરમિયાન કોઈ પણ રોટેશનલ પાલિસી નહીં હોય.
અહેવાલ મુજબ, ૪૨ મંત્રીપદ પણ પાર્ટીઓની સીટોના હિસાબથી જ હશે. રાજ્યમાં શિવસેનાએ ૫૬ સીટો જીતી છે, બીજી તરફ એનસીપીને ૫૪ અને કાંગ્રેસના હાથમાં ૪૪ સીટો આવી છે. આ હિસાબથી મંત્રીપદ પણ ૧૫, ૧૪ અને ૧૩ મુજબ નક્કી કરવાની શક્યતા છે. બીજી તરફ, શિવસેનાએ સ્પીકર પદ માટે નિર્ણય કાંગ્રેસ અને એનસીપી પર છોડી દીધો છે. મળતી માહિતી મુજબ, તેના માટે પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણનું નામ સામે આવી રહ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે, આ સમગ્ર સ્ટ્રક્ચર એનસીપી ચીફ શરદ પવારે જ ડિઝાઇન કર્યુ છે. મહારાષ્ટ્રમાં બિન-બીજેપી સરકાર બનાવવા માટે તેઓ પૂરી રીતે તૈયાર છે પરંતુ તેઓઅ ે મીડિયાની સામે આ સંબંધમાં કોઈ પણ પત્તા ખોલ્યા નથી. તેઓએ માત્ર એટલું કહ્યુ કે, સોનિયા ગાંધીની સાથે તેઓએ માત્ર મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ વિશે વાતચીત કરી છે. અમે હાલમાં સ્થિતિને જોઈ રહ્યા છીએ અને તેના હિસાબથી જ કાર્યવાહી કરીશું.
સૂત્રોએ જણાવ્યું કે, હવે સરકાર નિર્માણને લઈ ચર્ચા કરવા માટે ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં દિલ્હી પણ આવી શકે છે. બીજી તરફ, એક નવી વાત જે સામે આવી રહી છે કે ઉદ્ધવે સંભવિત ગઠબંધનને જોતાં ૨૪ નવેમ્બરે પોતાની અયોધ્યા યાત્રાને સ્થગિત કરી છે, કારણે કે એવું કરીને તેઓ કાંગ્રેસ કે એનસીપીને કોઈ ખોટો સંદેશ નથી આપવા માંગતા. આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની વાત પર વરિષ્ઠ નેતાઓની વચ્ચે સહમિત સધાઈ.
તેમના મુજબ આદિત્ય હજુ મુખ્યમંત્રી બનવા માટે યોગ્ય ઉમેદાવાર નથી. સરકાર બનવાની સ્થિતિમાં ઉદ્ધવને જ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. તેની પાછળ વધુ એક કારણ એ જણાવવામાં આવ્યું છે કે આદિત્ય હજુ ઘણો યુવા છે અને છગન ભુજબળ અને અજીત પવાર જેવા વરિષ્ઠ નેતાઓની સાથે તેનો તાલમેલ મુશ્કેલ હોઈ શકે છે.