મહારાષ્ટ્રમાં એક જ દિવસના સૌથી વધારે 1,233 નવા કેસો નોંધાયાં હતાં
મહારાષ્ટ્રમાં એક જ દિવસના સૌથી વધારે 1,233 નવા કેસો નોંધાયાં હતાં અને રાજ્યમાં વધુ 34 લોકોના મરણ નીપજ્યાં હતા. આ સાથે જ રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 16,758 પર પહોંચી છે અને મૃત્યુઆંક વધીને 651 થઇ ગયો છે. માત્ર મુંબઇમાં અત્યાર સુધી 10,500થી વધારે કેસો નોંધાઇ ચુક્યાં છે. મુંબઇ કોવિડ-19ના સૌથી વધારે પોઝિટીવ કેસો ધરાવતું હોવા છતાં તે એકમાત્ર શહેર છે જેણે અત્યાર સુધી 1 લાખથી વધારે ટેસ્ટ હાથ ધર્યા છે. \
દરરોજ 6 જાહેર અને 11 ખાનગી લેબમાં 4,500 જેટલાં ટેસ્ટ હાથ ધરવામાં આવે છે. જોકે પોઝિટીવ કેસોનો દર એપ્રિલની શરૂઆતમાં 3%થી વધીને 10% ઉપર પહોંચી ગયો છે, જે ઝડપથી ચેપના ફેલાવાનું સૂચન કરે છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઇમાં 25,000 ખાનગી ડૉક્ટરોને કોવિડ-19 દર્દીઓની સારવાર કરવા માટે તાત્કાલિક હોસ્પિટલમાં હાજર થવા આદેશ કર્યો છે. રાજ્ય સરકારે નોટિસમાં જણાવ્યું હતું કે ડૉક્ટરોને રક્ષણાત્મક ઉપકરણો પુરા પાડવામાં આવશે, તેમજ ઇમરજન્સીમાં કામગીરી કરવા માટે મહેનતાણું ચૂકવાશે. જોકે 55 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં ડૉક્ટરોને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે.