મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, UBT અને NCP વચ્ચે ૮૫-૮૫ બેઠકો પર લડવા સહમતિ
૨૮૮માંથી ૨૭૦ બેઠક પર સહમતી
આ ચૂંટણીમાં એનસીપી અને શિવસેનામાં બે જૂથ પડી ગયા છે, જેના કારણે ચૂંટણી રોચક બની ગઈ છે
મુંબઈ,મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મહા વિકાસ અઘાડી(એમવીએ)ના ત્રણેય સહયોગીઓ – કોંગ્રેસ, શિવસેના(યુબીટી) અને એનસીપી(શરદચંદ્ર) વચ્ચે સીટ વહેંચણીને લઈને ખેંચતાણા ચાલી રહી હતી. જોકે, ત્રણેય સહયોગી પક્ષોએ સાથે મળીને ૮૫-૮૫ સીટ પર ચૂંટણી લડવા સહમતી વ્યક્ત કરી છે. બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં શિવસેના(યુબીટી)ના સાંસદ સંજય રાઉતે કહ્યું કે ૨૦મી નવેમ્બરે યોજાનાર ચૂંટણી માટે ૨૮૮માંથી ૨૭૦ બેઠક પર સહમતી થઈ ગઈ છે.
અમે સમાજવાદી પાર્ટી, પીડબ્લ્યુપી, સીપીઆઈ(એમ), સીપીઆઈ અને આમ આદમી પાર્ટીને સામેલ કરીશું. બાકી રહેલી સીટો માટે હજુ ચર્ચા ચાલી રહી છે. અમે મૈત્રીપૂર્ણ રીતે ૨૭૦ સીટો પર સહમતી પર પહોંચી ગયા છે. મહાયુતિ(ભાજપ, શિવસેના-શિંદ અને એનસીપી-અજીત)ને હરાવવા માટે એકસંપ છીએ. આ સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેએ કહ્યું કે, બાકી રહેલી સીટો નાની પાર્ટીઓ માટે છોડવામાં આવશે.આ દરમિયાન, શિવસેના(યુટીબી)ના નેતા અનિલ દેસાઈએ જણાવ્યું કે, ત્રણેય સાથીપક્ષો કોંગ્રેસ ૮૫, એનસીપી-શરદચંદ્ર ૮૫ અને શિવસેના-ઉદ્ધવ જૂથ ૮૫ સીટો પર ચૂંટણી લડશે,
અને તે માટે સહમતી થઈ ગઈ છે. બાકી રહેલી સીટોમાંથી સહયોગી પક્ષો અરસપરસ ૧૮ સીટો પર ચર્ચા કરી રહ્યા છે. જ્યારે બાકીની ૧૫ સીટો નાની પાર્ટીઓને ફાળવવામાં આવશે. અહીંયા નોંધવું રહ્યું કે, ખાસ કરીને વિદર્ભ અને મુંબઈમાં કોંગ્રેસ અને શિવસેના(યુબીટી)ની વચ્ચે કેટલીક સીટોને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે સીટ વહેંચણીની વાતચીત સપ્તાહો સુધી ખેંચાતી રહી હતી. કેમ તાજેતરમાં લોકસભા ચૂંટણીમાં પોતાના મજબૂત પ્રદર્શનને કારણે કોંગ્રેસ વિદર્ભમાં પોતાની જમીન છોડવા તૈયાર ન હતી.
અહીંયા નોંધવું રહ્યું કે, ૨૦૧૯ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૧૦૫, અવિભાજિત શિવસેનાને ૫૬, અવિભાજિત એનસીપીને ૫૪ અને કોંગ્રેસને ૪૪ સીટ મળી હતી. પરંતુ આ ચૂંટણીમાં એનસીપી અને શિવસેનામાં બે જૂથ પડી ગયા છે, જેના કારણે ચૂંટણી રોચક બની ગઈ છે. ss1