મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર! ૨૪ કલાકમાં ૯૮૫૫ નવા કેસ
નવીદિલ્હી: ભારતમાં કોરોનાવાયરસ સામેની જંગમાં એક તરફ કોવિડ વેક્સીનેશનનું બીજું ચરણ શરૂ થઈ ગયું છે, તો બીજી તરફ સંક્રમિત લોકોની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં તો સ્થિતિ કાબૂ બહાર જઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૯ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. જેની સામે ૪૨ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૬૬,૧૬,૦૪૮ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૭,૪૦૭ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૮૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૧,૩૯,૫૧૬ થઈ ગઈ છે.
વિશેષમાં, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૮ લાખ ૨૬ હજાર ૭૫ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૪,૦૩૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૭૩,૪૧૩ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૭,૪૩૫ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૩ માર્ચ સુધીમાં ભારતમાં કુલ ૨૧,૯૧,૭૮,૯૦૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના ૨૪ કલાકમાં ૭,૭૫,૬૩૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૭૫ નવા કેસ નોંધાયા જ્યારે ૩૫૮ લોકોએ કોરોનાને મ્હાત આપી. કોરોના સંક્રમણથી અમદાવાદ કોર્પોરેશનમાં એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ ૪૪૧૨ લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી ૨૬૪૧૯૫ લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ ૯૭.૪૦ ટકા પર પહોંચ્યો છે. હાલ ૨૬૩૮ એક્ટિવ કેસ છે, જેમાંથી ૩૯ લોકો વેન્ટિલેટર પર અને ૨૫૯૯ લોકો સ્ટેબલ છે.