મહારાષ્ટ્રમાં ખેડૂતો માટે 2 લાખ સુધીનું દેવું માફ : ઉદ્ધવ ઠાકરે
મુંબઈ, મહારાષ્ટ્રમાં ચાલી રહેલા વિધાનસભાના શિયાળું સત્ર દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતોના 3 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. વિપક્ષે પૂર્ણ દેવા માફીની માંગ કરતા સદનમાંથી વોકઆઉટ કરી દીધું. સીએમ ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભાના શિયાળું સત્રના અંતિમ દિવસે જાહેરાત કરતા કહ્યું કે, ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરી દેવામાં આવશે. પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. આ યોજના માર્ચથી શરૂ કરવામાં આવશે.
જો કે વિપક્ષમાં બેસેલા ભાજપે વિરોધ શરૂ કરી દીધો. ખેડુતોના 2 લાખ સુધીના દેવા માફ કરવાના ઉદ્ધવ ઠાકરેની જાહેરાત બાદ વિપક્ષે પૂર્ણ દેવાં માફીની માંગ કરતા ગૃહમાંથી વોક આઉટ કર્યું. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો કે, ઉદ્ધવ ઠાકરે પોતાનો વાયદો પૂર્ણ કરી રહ્યાં નથી. જે બાદ તેઓ ભાજપના અન્ય નેતાઓ સાથે ગૃહમાંથી બહાર ચાલ્યા ગયા.
ઠાકરેએ લોન માફ કરવાની કટ ઓફ ડેટ 30 સપ્ટેમ્બર 2019 ગણાવતા કહ્યું, લોનની અપર લિમિટ 2 લાખ રૂપિયા રહેશે. આ યોજના મહાત્મા જ્યોતિરાવ ફુલે દેવામાફી યોજનાના નામથી ઓળખાશે. આ સિવાય પોતાનું દેવું સમયસર ચૂકવી દેનારા ખેડૂતોને ખાસ સ્કિમ આપવામાં આવશે. રાજ્યના નાણાંમંત્રી જયંત પાટિલે જાણકારી આપતા જણાવ્યુ કે, આ દેવા માફી કોઈ પણ શરત વગર રહેશે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આ સંબંધિત વિસ્તૃત જાણકારી જલ્દી જ જાહેર કરવામાં આવશે.