મહારાષ્ટ્રમાં ટૂંકમાં જ નવી સરકાર : ફડનવીસનો દાવો
નવીદિલ્હી : મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને છેલ્લા ઘણા દિવસથી વાતચીત ચાલી રહી હોવા છતાં મડાગાંઠ અકબંધ રહી છે. ભાજપ અને શિવસેના ગઠબંધનને બહુમતિ મળી હોવા છતાં બંને પક્ષો મુખ્યમંત્રી પદને લઇને જિદ્દી વલણ અપનાવી રહ્યા છે જેના પરિણામ સ્વરુપે સરકાર રચવાની કવાયત અટવાઈ પડી છે.
મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને છેલ્લા ૧૦ દિવસથી જારી હલચલ હવે દિલ્હી પહોંચી ચુકી છે. એકબાજુ દેવેન્દ્ર ફડનવીસે દિલ્હી પહોંચીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી હતી જ્યારે બીજી બાજુ એનસીપીના નેતા શરદ પવાર પણ દિલ્હી પહોંચીને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે વાતચીત કરી ચુક્યા છે. એમ માનવામાં આવે છે કે, વાતચીતના દોર દરમિયાન મહારાષ્ટ્રમાં રાજકીય સ્થિતિ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
બીજી બાજુ મિટિંગથી બહાર નિકળ્યા બાદ મુખ્યમંત્રી ફડનવીસે સરકારની રચનાને લઇને ચર્ચા થઇ હોવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે, અમિત શાહ સાથે માત્ર ખેડૂતોના મુદ્દા ઉપર વાતચીત થઇ છે. મિડિયા સાથે વાતચીત કરતા ફડનવીસે કહ્યું હતું કે, પ્રદેશમાં ટૂંક સમયમાં જ નવી સરકાર બની જશે. કોણ શું બોલી રહ્યા છે તે અંગે તેવો વાત કરવા ઇચ્છુક નથી.