મહારાષ્ટ્રમાં મહાયુતિ- ઝારખંડમાં એનડીએની સરકાર
મહારાષ્ટ્રમાં ૫૮ ટકા અને ઝારખંડમાં ૬૭ ટકા મતદાન
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટાર પ્રચારક રહ્યા
ઉત્તર પ્રદેશની ૯ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ૭ બેઠક ભાજપને મળશે તેવો દાવો
નવી દિલ્હી,દેશના રાજકારણમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આજે પૂર્ણ થતાં જ એકઝીટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે. મોટાભાગના એકઝીટ પોલમાં મહાયુતિ એટલે કે એનડીએને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. આમ મહારાષ્ટ્રમાં ફરી એક વખત મહાયુતિની સરકાર રચાશે. જયારે ઝારખંડમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. આમ ઝારખંડમાં સરકાર બદલાશે જયારે મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારનું પુનરાવર્તન થશે. જયારે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ૯ બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો આજે આ તમામ બેઠકો પર છુટાછવાયા પથ્થરમારાના બનાવો વચ્ચે મતદાન પૂર્ણ થયું હતું અને એકઝીટ પોલ અનુસાર ૯ માંથી ૭ બેઠકો એનડીએને મળે તેવી સંપૂર્ણ શક્યતા છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતાદન પ્રક્રિયા પુરી થયા બાદ EVM સીલ કરવાની પ્રોસેસ શરુ થઈ ગઈ હતી.ABP Matrize ના પરિણામોમાં મહાયુતિની સરકાર બનવાના એંધાણ દેખાડી રહ્યું છે. ABP Matrizeના પરિણામોમાં મહાયુતિના ખાતામાં ૧૫૦થી ૧૭૦ સીટ જવાનું અનુમાન છે. તો વળી વિપક્ષી એમવીએના ભાગમાં ૧૧૦થી ૧૩૦ સીટો આવી શકે છે. અન્યના ખાતામાં ૮થી ૧૦ સીટો આવી શકે છે.બીજા એક્ઝિટ પોલમાં પણ મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનવા જઈ રહી હોવાનું અનુમાન છે. PMARQ એક્ઝિટ પોલમાં પણ મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન એટલે કે મહાયુતિને લીડ મળતી દેખાઈ રહી છે. એક્ઝિટ પોલના રિઝલ્ટ અનુસાર, મહાયુતિને ૧૩૭-૧૫૭ સીટો મળી શકે છે. મહાવિકાસ અઘાડીને ૧૨૬-૧૪૬ સીટો અને અન્યને ૨-૮ સીટો મળવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
મહારાષ્ટ્ર એક્ઝિટ પોલ ૨૦૨૪ઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન બાદ એક્ઝિટ પોલના પરિણામ સામે આવવા લાગ્યા છે. એક પછી એક વિવિધ એજન્સીઓ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અને અનુમાનમાં ભાજપની આગેવાનીવાળી મહાયુતિની સત્તામાં વાપસી થતી દેખાડી રહ્યા છે. હવે ચાણક્ય સ્ટ્રેટઝીઝના આંકડામાં પણ ભાજપ સત્તામાં વાપસી કરતી દેખાય છે. તે અનુસાર મહાયુતિને ૧૫૨થી ૧૬૦ સીટો આવી શકે છે. તો વળી કોંગ્રેસની આગેવાનીવાળી એમવીએના ખાતામાં ૧૩૦થી ૧૩૮ સીટો આવી શકે છે. અન્યને ૬થી ૮ સીટો મળવાનું અનુમાન છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પુરી થઈ ગઈ છે. ત્યાર બાદ હવે વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલના પરિણામ આવી રહ્યા છે. પોલ ડાયરી નામની એજન્સીએ તો ભાજપની આગેવાનીવાળી મહાયુતિ ગઠબંધનને ૧૮૬ સીટો મળવાનું અનુમાન લગાવ્યું છે. તો વળી કોંગ્રેસના નેતૃત્વવાળા વિપક્ષી ગઠબંધનને ૬૯થી ૧૨૧ સીટો મળવાનું અનુમાન છે.
ઝારખંડમાં આજે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાયું હતું મતદાન પૂર્ણ થતા જ એકઝીટ પોલ શરૂ થઈ ગયા હતાં. ઝારખંડમાં જેએમએમ અને ભાજપના સમર્થકો વચ્ચે બબાલ થઈ હતી પરંતુ સુરક્ષાદળોએ પરિસ્થિતિને કાબુમાં લીધી હતી આજે ૭૦ ટકા જેટલું એતિહાસિક મતદાન થયું હતું. બીજા તબક્કાની ૧ર જિલ્લાની ૩૮ બેઠકો માટે યોજાયેલા મતદાન બાદ એકઝીટ પોલ આવવાના શરૂ થઈ ગયા હતા અને એકઝીટ પોલ અનુસાર આ વખતે ઝારખંડમાં એનડીએની સ્પષ્ટ બહુમતિ સાથે સરકાર રચાય તેવી સંપૂર્ણ શક્યતા છે.