મહારાષ્ટ્રમાં લૉકડાઉન લંબાવાયું, પહેલી જૂન સવારે ૭ વાગ્યા સુધી રહેશે લાગુ
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના ચિંતાજનક આંકડાઓને જાેતાં રાજ્ય સરકારે લૉકડાઉનને પહેલી જૂન ૭ વાગ્યા સુધી લંબાવી દીધું છે. તેની સાથે જ બહારના રાજ્યોથી આવનારા તમામ લોકો માટે આરટી પીસીઆરનો નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી જાહેર આદેશ મુજબ, રાજ્યમાં દાખલ થતાં પહેલા લોકોને કોરોનાનો નેગેટિગ રિપોર્ટ દર્શાવવો અનિવાર્ય હશે.
નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાથી થનારા મોતના આંકડા હવે ડરાવવા લાગ્યા છે. ગત ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાથી ૮૧૬ દર્દીનાં મોત થયા છે
જ્યારે ૪૬,૭૮૧ નવા કેસ સામે આવ્યા છે. નવા મામલા સામે આવ્યા બાદ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ ૫૨.૨ લાખ થઈ ગયા છે જ્યારે મૃતકોની સંખ્યા ૭૮,૦૦૭ સુધી પહોંચી ગઈ છે. મુંબઈમાં કોરોનાથી થનારા મોતની સંખ્યા ઝડપથી વધી રહી છે. મુંબઈમાં કોરોના મહામારીના કારણે બગડતી સ્થિતિ પર રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
બેઠકમાં જણાવવામાં આવ્યું કે, મુંબઈમાં ૧૪થી ૨૦ એપ્રિલ સુધી કોરોનાથી થનારા મોતનો દર ૦.૬ ટકા હતો, જે ૨૧ એપ્રિલથી ૨૭ એપ્રિલ સુધી વધીને ૧.૧૪ ટકા સુધી પહોંચી ગયો છે. ત્યારબાદ ૨૮ એપ્રિલથી ૪ મે સુધી ૨.૨૭ ટકા સુધી પહોંચ્યો છે. બુધવારની વાત કરીએ તો મુંબઈમાં કોરોનાથી ૬૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મંગળવારે ૫૧ દર્દીઓનાં મોત થયા હતા.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કહેરના કારણે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩,૬૨,૭૨૭ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪,૧૨૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૩૭,૦૩,૬૬૫ થઈ ગઈ છે. કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૯૭ લાખ ૩૪ હજાર ૮૨૩ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩,૫૨,૧૮૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૩૭,૧૦,૫૨૫ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૨,૫૮,૩૧૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.