મહારાષ્ટ્રમાં વિપક્ષમાં હોવા છતા બીજેપીએ એમએલસી ચૂંટણીમાં દમ બતાવ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/BJP-MP.jpg)
મુંબઇ, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત પર ખુશી વ્યક્ત કરી છે. ભાજપના વરિષ્ઠ નેતા ફડણવીસે એમએલસીની ૬માંથી ૪ બેઠકો જીત્યા બાદ કહ્યું કે આ રાજ્યમાં પાર્ટીના દરેક કાર્યકર્તાની જીત છે.
તેમણે કહ્યું કે આ ચૂંટણીઓ દ્વારા પાર્ટીએ ફરી એકવાર પોતાની તાકાત બતાવી છે. રાજ્યમાં ૧૦ ડિસેમ્બરે વિધાન પરિષદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વિપક્ષમાં હોવા છતાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભાજપે ૪ બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસ અને શિવસેનાએ એક-એક બેઠક જીતી છે.
ફડણવીસે ચૂંટણી પરિણામોને લઈને અનેક ટિ્વટ કરી છે. જીતેલા ઉમેદવારોને અભિનંદન આપતાં તેમણે લખ્યું- મહારાષ્ટ્ર વિધાન પરિષદની કુલ ૬ બેઠકોમાંથી ભાજપે ૪ બેઠકો જીતી છે. આ જીત ખૂબ જ ખાસ છે, દરેક કાર્યકર્તાની મહેનતનું પરિણામ છે. મહારાષ્ટ્ર ભાજપે નાગપુર અને અકોલાની જીત સાથે ફરી એકવાર પોતાની તાકાત સાબિત કરી છે.HS