મહારાષ્ટ્રમાં વેકસીન અભિયાન ઉપર પ્રતિબંધ લગાવાયો

મુંબઇ, મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસ સામે ચાલી રહેલા વેક્સીનેશન અભિયાનને બે દિવસ માટે અટકાવ્યું છે. વેક્સીનેશન અભિયાન પર ૧૮ જાન્યુઆરી સુધી મહારાષ્ટ્રમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કોવીન એપમાં તકનીકી સમસ્યાઓના કારણે આ કાર્યક્રમ પર રોક લગાવી છે.
એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાનીએ કહ્યું કે એપમાં કેટલીક તકનીકી ખામી સર્જાઈ છે, જેને સુધારવી પડશે. આ રવિવાર અને સોમવારે રાજ્યમાં કોરોના વેક્સીન આપવામાં આવશે નહીં. તેમને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે, ૧૯ જાન્યુઆરીથી વેક્સીનેશન ફરી શરૂ થશે, તો તેના પર સુરેશ કાકાનીએ કહ્યું કે, હજુ કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી અને હવે પછી વધુ જાણકારી શેર કરવામાં આવશે.
પહેલા દિવસે વેક્સીનેશન અભિયાનને શરૂ કરતા સમયે કોવીન એપમાં કેટલીક તકનીકી સમસ્યાઓ સર્જાઈ હતી. વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર તેમાં સુધારો કરવાનો પ્રયાસ કરી રહી છે. તમને જણાવી દઇએ કે, દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાનની શરૂઆત શનિવાર કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, વેક્સીનેશન અભિયાનના પહેલા દિવસે દેશમાં ૧.૯૧ લાખ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, વેક્સીનેશન માટે ૩,૩૫૧ સેન્ટર બનાવવામાં આવ્યા છે. આ વેક્સીનેશન સેન્ટર પર ૧૬,૭૫૫ લોકો ડ્યૂટી કરી રહ્યાં છે. મહારાષ્ટ્રની વાત કરીએ કો, અહીં ૨૮૫ સેન્ટર્સ પર કોરોનાની વેક્સીન શનિવારથી લગાવવાની શરી થઈ. મહારાષ્ટ્રમાં શનિવારના લગભગ ૨૮ હજાર ૫૦૦ હેલ્થવર્કરને વેક્સીન લગાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો.