મહારાષ્ટ્રમાં સરકાર રચવા મુદ્દે ચર્ચા ન થઇઃ શરદ પવાર
કોંગ્રેસ તેમજ એનસીપીના મામલાઓને લઇને ચર્ચા થઇ હોવાનો દાવો કરાયોઃ મિટિંગનો દોર હજુ ચાલશે ઃ પવાર
નવીદિલ્હી, મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને ગુંચવણભરી સ્થિતિ યથાવતરીતે જારી રહી છે. સરકાર રચવાની કવાયત વચ્ચે આજે એનસીપીના નેતા શરદ પવાર અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી વચ્ચે બેઠક યોજાઈ હતી પરંતુ આ બેઠક કોઇપણ પરિણામ વગર પૂર્ણ થઇ હતી જેથી મડાગાંઠ અકબંધ રહી છે. બેઠકમાં સરકારની રચનાને લઇને કોઇ ચર્ચા પણ નહીં થઇ હોવાનું જાણવા મળ્યું છે.
આવી સ્થિતિમાં આ મિટિંગ કેમ મળી તેને લઇને પણ સસ્પેન્સમાં વધારો થયો છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં એનસીપીની પ્રશંસા કર્યા બાદ નવા સમીકરણો પણ દેખાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં હજુ સુધી સરકાર રચવાના કોઇ સંકેત દેખાઈ રહ્યા નથી. ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ૨૦ દિવસનો ગાળો થઇ ગયો છે પરંતુ સરકાર રચાઈ રહી નથી પરંતુ શિવસેનાના નેતા સંજય રાવત દિલ્હીમાં શરદ પવારના આવાસ ઉપર મોડી સાંજે પહોંચ્યા હતા.
સરકાર કોણ બનાવશે તેને લઇને રાજકીય પંડિતો પણ સસ્પેન્સની સ્થિતિમાં આવી ગયા છે. શિવસેના તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. સોનિયા ગાંધી સાથે વાતચીત કર્યા બાદ શરદ પવારે કહ્યું હતું કે, સામાન્ય લઘુત્તમ કાર્યક્રમ ઉપર પણ કોઇ ચર્ચા થઇ નથી. ૧૭૦ના આંકડાને લઇને તેમની પાસે કોઇપણ પ્રકારની માહિતી નથી. આ અંગેનો પ્રશ્ન શિવસેનાને કરવામાં આવી શકે છે.
૧૭૦ ધારાસભ્યોના ટેકાનો શિવસેનાએ દાવો કર્યા બાદ પવારે આજે આ મુજબની પ્રતિક્રિયા આપી હતી. સરકારની રચનાને લઇને કોઇ વાત થઇ નથી. કોંગ્રેસ અને એનસીપીના મામલાઓ ઉપર ચર્ચા કરવાને લઇને આ વાતચીત થઇ હતી. શિવસેના સાથે ગઠબંધનને લઇને સોનિયા ગાંધીએ વિરોધ કર્યો છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા પવારે સ્પષ્ટ વાત કરી ન હતી. મહારાષ્ટ્રમાં રાજકીય સ્થિતિ ઉપર ચર્ચા થઇ છે. પવારનું કહેવું છે કે, સોનિયા ગાંધીને સ્થિતિ અંગે વાકેફ કરવામાં આવ્યા છે. એકે એન્ટોની પણ ઉપસ્થિત રહ્યા હતા.
બંને પક્ષના નેતાઓ ફરી મળશે અને ચર્ચા કરશે. પવારનું કહેવું છે કે, રાજ્ય ચૂંટણી દરમિયાન અમને ટેકો આપનાર અન્ય નાના પક્ષો સાથે પણ અમારી ચર્ચા થઇ છે. મતભેદો દૂર કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. સોનિયા ગાંધી સાથે બેઠક બાદ ઉત્સુક રહેલા પત્રકારોને શરદ પવારે પોતે માહિતી આપી હતી. ત્યારબાદ મિડિયા સાથે પણ વાત કરી હતી. બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું છે કે, એક બે દિવસમાં એનસીપી અને કોંગ્રેસના પ્રતિનિધિઓ દિલ્હીમાં મળશે અને આગળની રણનીતિ પર ચર્ચા કરશે. મહારાષ્ટ્રને લઇને સુરજેવાલાએ પણ કોઇ સાફ વાત કરી નથી. સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે.