મહારાષ્ટ્રમાં હીટ સ્ટ્રોકથી 25 લોકોના મોત
મુંબઈ, દેશના અનેક રાજ્યોમાં હીટસ્ટ્રોકના લીધે લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે અને મહારાષ્ટ્રમાં હીટ સ્ટ્રોકના લીધે 25 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આંકડાઓ માર્ચ અને એપ્રિલ મહિનાના છે જે છેલ્લા 6 વર્ષની સરખામણીએ સૌથી વધારે છે. ગુરૂગ્રામ ખાતે આજે હળવો વરસાદ થશે તેવી આગાહી છે. આ તરફ ઓડિશા સરકારે ગરમી અને હીટવેવના કારણે શાળાઓના સમયમાં ફેરફાર કર્યો છે.
હિમાચલ પ્રદેશમાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો હોવાના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે અને આજે પણ સમગ્ર પ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન હીટ સ્ટ્રોકના કારણે 25 લોકોના મોત થયા છે અને હીટ સ્ટ્રોકના રેકોર્ડ સમાન 374 કેસ નોંધાયા છે. આ આંકડો છેલ્લા 6 વર્ષોમાં સૌથી ઉંચો છે. હીટ સ્ટ્રોકના કારણે વિદર્ભ પ્રાંતમાં સૌથી વધારે 15 લોકોના મોત થયા છે જ્યારે મરાઠવાડામાં 6 અને ઉત્તરી મહારાષ્ટ્રના જલગાંવમાં 4 લોકોના મોત થયા છે.