મહારાષ્ટ્રમાં 3 વર્ષનું બાળક ઓમિક્રોન પોઝિટિવ: મુંબઈમાં કલમ 144 લાગુ
મુંબઈ, દેશમાં ઓમિક્રોનના કુલ કેસનો આંક 33 થયો છે. શુક્રવારે દેશમાં ઓમિક્રોનના 9 કેસ સામે આવ્યા હતા. એમાં મહારાષ્ટ્રમાં 7 અને ગુજરાતમાં 2 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં જ 3 વર્ષનું બાળક પણ ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યું છે.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 7 નવા કેસમાંથી 3 મુંબઈ અને 4 પિંપરી ચિંચવાડમાં કેસ નોંધાયા છે. આ સાથે મળીને રાજ્યમાં કુલ ઓમિક્રોનના કેસની સંખ્યા 17 થઈ ગઈ છે. દિલ્હીમાં પણ ઓમિક્રોનનો બીજો કેસ નોંધાયો છે.
ચિંતાની વાત એ છે કે ગઇકાલે સંક્રમિત મળેલા 7માંથી 4 દર્દીએ કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધેલા હતા. મુંબઈમાં સંક્રમિત થયેલા દર્દીની વય 48, 25, અને 37 વર્ષ છે. તેઓ તાંઝાનિયા, યુકે અને દક્ષિણ આફ્રિકા- નૈરોબી (કેન્યા)ના પ્રવાસે ગયા હતા.
મુંબઈમાં ઓમિક્રોનના કેસમાં વધારો થયા બાદ સરકાર એક્શનમાં આવી ગઈ છે. અહીં 11-12 ડિસેમ્બરના રોજ કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત રેલીઓ, સરઘસ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં ઓમિક્રોનના કુલ 17 કેસ સામે આવી ચૂક્યા છે.
ભારતમાં ઓમિક્રોનના કુલ 33 કેસ નોંધાઈ ચૂક્યા છે. એમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 17, રાજસ્થાનમાં 9, ગુજરાતમાં 3, દિલ્હીમાં 2 અને કર્ણાટકમાં 2 કેસ નોંધાયા છે. આજે રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનનો બીજો કેસ નોંધાયો છે.
રાહતની વાત તે છે કે રાજસ્થાનમાં પણ 9 લોકોના રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યા છે. મહારાષ્ટ્રના પુણેમાં પણ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ તરફ કર્ણાટકથી એક ઓમિક્રોન સંક્રમિત દુબઈ ભાગી ગયો છે.