મહારાષ્ટ્ર અને રાજસ્થાન પછી કેરળમાં પણ CBI માટે દરવાજા બંધ
તિરુવનંતપુરમ: કેરળ સરકારે રાજ્યની સરહદની અંદર કામ કરવા માટે કેન્દ્રીય તપાસ એજન્સી CBIને આપવામાં આવેલી સહમતિને પરત લેવાનો નિર્ણય કર્યો છે. તપાસ એજન્સીએ હવે કેરળમાં કેસ દાખલ કરતા પહેલા રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે.
બિન-ભાજપ શાસિત રાજ્ય પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર પછી હવે કેરળ પણ આ યાદીમાં સામેલ થઈ ગયું છે. બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં જ લાઇફ મિશન હાઉસિંગ પ્રોજેક્ટમાં સીબીઆઈએ કેસ દાખલ કર્યો હતો, જે રાજ્ય સરકાર તરફથી બેઘર લોકને ઘર આપવાની મુખ્ય યોજના હતી.
‘લાઇફ મિશન’ પ્રોજેક્ટમાં કથિત વિદેશી અંશદાન કાયદા (FCRA)ના કથિત ઉલ્લંઘન અને ભ્રષ્ટાચાર કેરળમાં મોટો રાજકીય મુદ્દો બન્યો છે. વિપક્ષ નેતા રમેશ ચન્નીથલાએ આરોપ લગાવ્યો છે કે સોનાની તસ્કરી કેસમાં મુખ્ય આરોપી સ્વપ્ના સુરેશે એનઆઈએ કોર્ટની સામે સ્વીકાર કર્યો છે કે તેને આ પ્રોજેક્ટમાંથી એક કરોડ રૂપિયા કમિશન મળ્યું છે.
વિપક્ષ તરફથી આરોપ લગાવવામાં આવ્યો છે કે રેડ ક્રિસેન્ડ તરફથી કોન્ટ્રાક્ટરની પસંદગી કરવામાં ભ્રષ્ટાચાર થયો હતો. આંતરરાષ્ટ્રીય સંગઠને રેડ ક્રિસેન્ટે લાઇફ મિશન પ્રોજેક્ટ માટે 20 કરોડ રૂપિયાનું ફંડન આપવા માટે સહમતિ બતાવી હતી.