મહારાષ્ટ્ર કોર્ટે બદનક્ષીની અરજી રદ કરવાની રાહુલ ગાંધીની અરજી ફગાવી
મુંબઈ, મહારાષ્ટ્રની કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની તેમના વિરુદ્ધ કરાયેલી બદનક્ષીની અરજીને રદ કરવાની અરજી ફગાવી દીધી છે. આ ઉપરાંત સીપીઆઈ(એમ)ના મહાસચિવ સિતારામ યેચુરીની પણ આ જ પ્રકારની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. આરએસએસના કાર્યકરે મહારાષ્ટ્ર કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરતી અરજી કરી હતી. કોર્ટે બન્ને નેતાઓની અરજી ફગાવતા આ કેસમાં તેમને ટ્રાયલનો સામનો કરવો પડશે. આરએસએસના કાર્યકર અને વકીલ ધ્રુતિમાન જોશીએ કરેલી ફરિયાદમાં પત્રકાર ગૌરી લંકેશની હત્યાને કથિત રીતે સંઘ સાથે જોડવા બદલ રાહુલ ગાંધી અને સિતારામ યેચુરી વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કરવા માટેની અરજી કોર્ટમાં કરી હતી. ગૌરી લંકેશની 2017માં બેંગલુરુમાં તેમના ઘર બહાર જ કેટલાક લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી.