મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનમાં મ્યુકરમાઈકોસિસિથી ૫૦% મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/epidemiology-1024x768.jpg)
FIles Photo
નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરે સૌ કોઈને ચિંતિત કરી દીધા છે. દેશમાં હાલ કોરોનાના ૩૦ લાખ કરતા પણ વધારે એક્ટિવ કેસ છે. ત્યારે આ મહામારી વચ્ચે વધુ એક બીમારીએ આફત સર્જી છે. આ બીમારીનું નામ મ્યુકરમાઈકોસિસ છે. કોરોનાના લક્ષણો વચ્ચે દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસના લક્ષણો પણ દેખાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન જેવા રાજ્યોમાં આ બીમારીની અસર વધારે જણાઈ રહી છે. સ્થિતિ એ હદે ખરાબ છે કે, આ બીમારીમાં લગભગ ૫૦ ટકા દર્દીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં હાલ મ્યુકરમાઈકોસિસના આશરે ૨,૦૦૦થી પણ વધારે એક્ટિવ કેસ સામે આવ્યા છે જેથી રાજ્ય સરકારની ચિંતા વધી ગઈ છે. હાલ જે હોસ્પિટલો સાથે મેડિકલ કોલેજીસ અટેચ્ડ છે ત્યાં મ્યુકરમાઈકોસિસ બીમારીના દર્દીઓની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે, રાજ્યમાં જેમ-જેમ કોરોનાના કેસ વધી રહ્યા છે તેની સાથે જ મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આ કારણે સરકારે જરૂરી પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. મ્યુકરમાઈકોસિસના લક્ષણોમાં એક બ્લેક ફંગસ પણ છે જેના કારણે ૫૦ ટકા દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે. તે સિવાય માથામાં દુખાવો, તાવ, આંખ-નાકમાં જાેરદાર દુખાવો અને આંખોની રોશની જતી રહેવી પણ તેના લક્ષણો છે.