મહારાષ્ટ્ર: પોલિયોની રસીની જગ્યાએ સેનિટાઈઝર પીવડાવી દીધુ, 12 બાળકો બીમાર
મુંબઇ, દેશભરમાં કોરોનાની વેક્સીન મુકવાની સાથે સાથે બાળકોને પોલિયોની રસી આપવાનુ કામ પણ ચાલી રહ્યુ છે.પોલીયોની રસી આપવા દરમિયાન મહારાષ્ટ્રમાં બહુ મોટી બેદરકારી સામે આવી છે.
મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના એક ગામડામાં હેલ્થ વર્કર્સે પોલીયોના ડ્રોપની જગ્યાએ બાળકોને સેનિટાઈઝર પીવડાવી દીધુ હોવાની ચોંકાવનારી ઘટના બની છે અને તંત્રે દોડધામ કરી મુકી છે.કુલ 12 બાળકોને સેનિટાઈઝર પીવડાવી દેવાયુ હતુ.જેમને એ પછી ઉલટી થવા માંડી હતી અને ગભરામણની ફરિયાદ ઉઠી હતી.તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ડોક્ટરોની ટીમ તેમની દેખરેખ રાખી રહી છે.
અધિકારીઓના કહેવા પ્રમાણે આ મામલામાં એક ડોક્ટર, એક આંગણવાડી કાર્યકર અને એક આશા વર્કરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.તેમની સામે તપાસ શરુ કરાઈ છે.તંત્રનુ કહેવુ છે કે, આ બહુ મોટી બેદરકારી છે.કારણકે પોલિયો વેક્સીનની બોટલ પર ચોક્કસ ચિન્હો હોય છે.તેનો વિશેષ રંગ અને આકાર હોય છે અને તેની જગ્યાએ બાળકોને સેનિટાઈઝર કેવી રીતે પીવડાવાયુ તેની તપાસ કરવામાં આવશે.ઉપરાંત દવા આપનાર સ્ટાફને તાલીમ અપાઈ હતી કે કેમ તેની પણ તપાસ કરાશે.
ભારતમાં વ્યાપક રસીકરણના કારણે દેશ પોલિયો મુક્ત જાહેર થઈ ચુક્યો છે.છેલ્લા 10 વર્ષથી પોલિયોનો કોઈ નવો કેસ આમે આવ્યો નથી.જોકે આમ છતા ભારતમાં સર્તકતા વરતવામાં આવી રહી છે અને નવા જન્મેલા બાળકોને પોલિયો રસી પીવડાવવા માટે અભિયાન ચલાવાઈ રહ્યુ છે.