મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર પદે નાનાભાઉ પટોલે બિનહરીફ ચૂંટાયા
નવી દિલ્હી, મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર પદે નાનાભાઉ પટોલેની પસંદગી થઈ છે. નાનાભાઉ પટોલે કોંગ્રેસના ધારાસભ્ય છે. અગાઉ ભાજપે પોતાના સ્પીકર કેન્ડિડેટનું નામ પરત ખેંચી લીધું હતું. ભાજપે આ પદ માટે કિસાન કઠોરેનું નામ પ્રસ્તાવિત કર્યુ હતું પરંતુ આજે સ્પીકર પદની ચૂંટણી થાય તે પહેલાં તેઓએ કિસાન કઠોરેનું નામ પાછુ ખેંચી લીધું હતું. સવારે સાડા દશ વાગ્યા સુધીમાં નામ પરત લેવાનો સમય હતો. ભાજપે કહ્યું કે અન્ય પાર્ટીનો અનુરોધ જોતા સ્પીકર ચૂંટણી નિર્વિરોધ થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત તમામ પક્ષની બેઠક થઈ હતી અને આ નિર્ણય લેવાયો હતો. ભાજપે નામ ખેંચતા સ્પીકર પદ માટેની ચૂંટણી ટળી હતી અને નાના પટોલે નિર્વિરોધ સ્પીકર તરીકે વરાયા હતા. નાના પટોલેએ સ્પીકરનો પદભાર પણ સંભાળી લીધો છે.
પ્રોટેમ સ્પીકર દિલીપ વલસે પાટિલે એલાન કરતા કહ્યું કે નાના પટોલે નિર્વિરોધ સ્પીકર તરીકે ચૂંટાયા છે. જે બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પટોલેને સ્પીકરની ખુરશી સુધી લઈ ગયા હતા. તેમની સાથે અન્ય નેતાઓ પણ હતા. બાદમાં ચર્ચા શરૂ થતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે નાના પટોલે એક ખેડૂત પરિવારથી આવે છે. તેથી આશા છે કે તેઓ બધાંને યોગ્ય ન્યાય આપવાનું કામ કરશે.