મહારાષ્ટ્ર સૌથી વધારે ટેક્સ આપતું રાજ્ય,પરંતુ કેન્દ્ર સરકાર અમારી સાથે ભેદભાવ કરે છે: ઉદ્વવ

મુંબઇ, દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. એમાં મહામારી અને યુક્રેન-રશિયાના યુદ્ધને કારણે દેશની આર્થિક સ્થિતિ પર થયેલી અસર અંગે પણ ચર્ચા થઈ હતી. પીએમએ રાજ્યોને પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડવાની અપીલ કરી હતી, જેથી લોકો પરનો મોંઘવારીનો ભાર ઓછો રહે.
વડાપ્રધાન મોદીની અપીલ બાદ રાજ્ય સરકારોના નિવેદન સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે સૌથી વધારે ટેક્સ આપતું રાજ્ય મહારાષ્ટ્ર છે, પરંતુ કેન્દ્ર સરકાર અમારી સાથે ભેદભાવ કરે છે. ઠાકરેએ કહ્યું કે કેન્દ્ર પાસેથી હજુ ૨૬ હજાર ૫૦૦ કરોડ રૂપિયા પેટે લેવાના બાકી છે.
મોદીએ વર્ચુઅવ મીટિંગમાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને લઈને વિરોધી રાજ્ય સરકારો પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે ઘણાં રાજ્યોમાં પેટ્રોલની કિંમતોમાં જાેવા મળતા તફાવત અંગે પણ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે મુંબઈમાં પેટ્રોલ ૧૨૦ રૂપિયા લિટરે મળે છે, જ્યારે પાડોશી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવમાં એ ૧૦૨ રૂપિયા લિટરના ભાવે મળે છે. આ જ રીતે એ તામિલનાડુમાં ૧૧૧ રૂપિયા અને જયપુરમાં ૧૧૮ રૂપિયામાં મળે છે.
જાે કે તેની સામે ઉદ્વવ ઠાકરેએ કહ્યું હતું કે આ વાત સાચી નથી કે રાજ્યને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ ઉંચા છે. મુંબઇમાં ૧ લીટર ડીઝલ પર ટેક્સનો હિસ્સો કેન્દ્ર માટે ૨૪.૩૮ રૂપિયા છે, જયારે રાજ્યને ૨૨.૩૭ મળે છે. એ જ રીતે પેટ્રોલમાં કેન્દ્રનો હિસ્સો ૩૧.૫૮ રૂપિયા અને રાજ્યનો ૩૨.૫૫ રૂપિયા છે. પ્રજાને રાહત આપવા માટે મહારાષ્ટ્ર સરકાર પહેલાં જ નેચરલ ગેસના ટેક્સમાં રાહત આપી ચૂકી છે.
ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાએ કહ્યું- વડાપ્રધાને હેલ્થને બદલે પેટ્રોલ-ડીઝલ અંગે વધારે વાત કરી, જેને પગલે તે રાજકીય બેઠક બની ગઈ. મોદી તેને જીએસટી હેઠળ લાવે અને દેશ માટે એક નીતિ તૈયાર કરે.
ટીએમસી સાસંદ સૌગત રાયે કહ્યુ હતું કે સરકાર ભાવ પર અકુંશ નથી મુકી શકતી એટલે દોષનો ટોપલો રાજ્યો પર ઢોળી રહી છે.કેન્દ્ર સરકાર રાજ્યો સાથે સાવકો વહેવાર બંધ કરે અને જીએસટીની બાકી રકમ ચૂકવે.
કોંગ્રેસના પવન ખેડાએ કહ્યું કે મોદીએ પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્રીય એક્સાઈઝ ડ્યૂટીથી ૨૬ લાખ કરોડની કમાણી કરી છે. શું તેમણે આ અંગે કોઈ માહિતી આપી? તમે રાજ્યોને જીએસટીનો હિસ્સો આપ્યો નથી અને તો પછી તમે રાજ્યોને વેટ ઓછો કરવા માટે કહો છો. તેમણે કેન્દ્રીય એક્સાઈઝ ડ્યુટી ઓછી કરવી જાેઈએ અને ત્યારબાદ અન્યોને વેટ ઓછો કરવા માટે કહેવું જાેઈએ.HS