મહાશિવરાત્રી હસ્તકળા પર્વને ખુલ્લું મુકતા અન્ન , નાગરિક પુરવઠો, અને કુટીર ઉદ્યોગ બાબતોના મંત્રી
શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે પાંચ દિવસીય મહાશિવરાત્રી હસ્તકલા પર્વનો શુભાંરભ
અન્ન, નાગરિક પુરવઠો, અને કુટીર ઉદ્યોગ બાબતોના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
વડોદરા: શહેરના કીર્તિ સ્થંભ પાસે આવેલા પોલો ગ્રાઉન્ડ ખાતે રાજ્યના કુટીર અને પરંપરાગત કલાને પ્રોત્સાહિત કરવા માટે કામ કરતી સંસ્થા ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને આયોજીત સાત દિવસ ચાલનાર હસ્તકલા મેળાને રાજયકક્ષાના મંત્રી શ્રી યોગેશભાઈ પટેલની ઉપસ્થિતમાં અન્ન, નાગરિક પુરવઠા અને કુટીર ઉદ્યોગ બાબતોના રાજયકક્ષાના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શ્રી જાડેજાએ જણાવ્યુ કે, હસ્તકળા આપણી આગવી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ છે ત્યારે આપણા આ પરંપરાગત વારસાને જાળવવા અને આ વ્યવસાય સાથે જોડાયેલા કારીગરોને રોજગારી મળી રહે તેમજ મહાશિવરાત્રીના પર્વને અનુલક્ષીને આ હસ્તકળાની કળાકૃતિઓનુ પ્રદર્શન-સહ-વેચાણ માટે આયોજન કરવામાં આવ્યું છે.
ખાસ કરીને દેશના ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા, જમ્મુ કશ્મીર સહિતના રાજ્યોના કારીગરો તેમની કલાકૃતિઓ અહીં પ્રદર્શિત કરવાના છે ત્યારે વડોદરવાસીઓ આ હસ્તકળા મેળાનો લાભ લે તેવો શ્રી જાડેજા એ અનુરોધ કર્યો હતો.
રાજયકક્ષાના મંત્રી શ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે, એક સમય હતો કે, હસ્તકળા સંબધિત કોઈ વસ્તુ ખરીદવી હોય તો આ માટે કારીગરો-દુકાનો શોધવી પડતી હતી. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના આગવા અભિગમને લીધે આજે આવા હસ્તકળા મેળાનું આયોજનની શરૂઆત થઈ હતી. જેથી એક જગ્યાએથી તમામ પરંપરાગત ચીજ-વસ્તુઓ મળી રહે અને સાથે જ હસ્તકળા સાથે જોડાયેલા કારીગરોને રોજગારી પણ મળી રહે, તેમ શ્રી પટેલે જણાવ્યું હતું.
આ તકે અન્ન, નાગરિક પુરવઠા અને કુટીર ઉદ્યોગ બાબતોના રાજયકક્ષાના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી યોગેશભાઈ પટેલે, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય સીમાબેન મોહિલે, ધારાસભ્ય મનીષાબેન વકીલ ઇન્ડેક્ષ્ટ-સીના અધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવો હસ્તકળા મેળાના સ્ટોલ મુલાકાત લઇ હુન્નરમંદ કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા