મહા વાવાઝોડાની આગાહીને પગલે સંભવિત અસરને પહોંચી વળવા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
ડાંગ : આહવાઃ તાઃ ૦૪ઃ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ મહા વાવાઝોડાની આગાહીના પગલે ઉભી થનાર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર તમામ તૈયારીઓ કરી એલર્ટ થઇ ગયું છે.
ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ આજરોજ જિલ્લાના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક યોજાઈ હતી.અરબી સમુદ્રમાં સિસ્ટમ ઉભી થઇ છે પરિણામે સંભવિત વાવાઝોડા સામે તકેદારીના ભાગરૂપે કેવી રીતે કામગીરી કરવી તે અંગે કલેકટર શ્રી ડામોરે જણાવ્યું હતું કે સબંધિત વિભાગોએ તેમના એકશન પ્લાન તૈયાર કરી સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સાબદા રહેવું.
હવામાન ખાતાની આગાહી મુજબ આગામી તા.૬-૧૧-૧૯ ના સવારથી તા.૭/૮-૧૧-૧૯ દરમિયાન ડાંગ જિલ્લામાં પણ મહત્તમ અસર થવાની સંભાવનાને પગલે ઉપસ્થિત થનાર પરિસ્થિતિને લક્ષમાં રાખી રાહત બચાવ કામગીરીના આગોતરા તમામ પગલા લેવા, તમામ અધિકારી/કર્મચારીઓએ હેડકવાર્ટરમાં હાજર રહેવા તથા કંટ્રોલરૂમ સાથે સતત સંપર્કમાં રહેવા અને કોઇ પણ મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેવા સમયે પહોંચી વળવા આગોતરૂ આયોજન કરવા કલેકટરશ્રી એન.કે.ડામોરે તાકીદ કરી હતી.
ડિઝાસ્ટરની આ બેઠકમાં નિવાસી નાયબ કલેકટરશ્રી ટી.કે.ડામોર,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ડી.આર.અસારી,પ્રાંત અધિકારીશ્રી કાજલ ગામીત,નાયબ વન સંરક્ષકશ્રી દિનેશ રબારી,કાર્યપાલક ઈજનેરશ્રી માર્ગ અને મકાન શ્રી જે.કે. પટેલ,તમામ મામલતદારશ્રીઓ,તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.